Western Times News

Gujarati News

દાહોદને શાકભાજી પૂરૂ પાડતા રાણાપુર ખુર્દને સિંચાઇ યોજનાનો લાભ મળ્યો

રાણાપુર ખુર્દ ઉદ્દવહન સિંચાઇ યોજનાથી ગામના ૧૫૦ ખેડૂતોની વાડી સુધી સિંચાઇનું પાણી પહોંચતું થયું

દાહોદ નગરને શાકભાજી પૂરૂ પાડતા ગામ રાણાપુર ખુર્દના ખેડૂતોને તેમની વાડી સુધી પીયતનું પાણી આપવાની રૂ. ૯૭ લાખની ઉદ્દવહન સિંચાઇ યોજનાનું સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શ્રી વજેસિંહ પણદાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી દોઢ સો ખેડૂતોને તેમની ૭૦ હેક્ટર એકર જેટલી જમીનમાં સિંચાઇની સુવિધા મળશે.

સામાન્ય સંજોગોમાં બારેય માસ પાણી ધરાવતી ખાન નદીના કિનારે આવેલા રાણાપુર ખુર્દ ગામના ખેડૂતો ધાન્ય પાકો ઉપરાંત શાકભાજી પાકોનું વાવેતર બહુધા કરે છે. તેમાંય વિશેષ કરીને દાહોદમાં આવતો મોટા ભાગનો ગુવાર આ ગામનો હોય છે. ખાન નદીના કિનારો હોવાથી અત્યાર સુધી ખેડૂતો પોતાની રીતે સિંચાઇનું પાણી મેળવતા હતા. નદીથી નજીક હોય તેવા ખેડૂતોને વિશેષ ફાયદો થતો હતો.

એક વિશેષ વાત એ છે કે, નદીમાં ખેડૂતો દ્વારા ૫૦૦થી ૭૦૦ ડિઝલ એન્જીન બેસાડી પોતાની રીતે પાણી લેવામાં આવતું હતું. વળી, આ એન્જીન ભાડે લેવામાં આવતા હતા. તે હિસાબે ગણતરી કરવામાં આવે તો એન્જીનનું એક કલાકનું ભાડું રૂ. સો અને ડિઝલનો કલાકમાં વપરાશને ધ્યાને લઇ ખેડૂતોને એક કલાક પીયત કરવાનું રૂ. અઢી સોમાં પડતું હતું. હવે, આ યોજનાથી પાઇપ મારફત વાડી સુધી પાણી આવતા માત્ર રૂ. ૮૦થી ૧૦૦માં પીયત કરી શકાશે.

યોજનાની વિગતો જોઇએ તો ખાન નદીમાંથી પાણીનું વહન કરવામાં આવશે. તેમાં ૮૭૫ મિટર લાંબ મુખ્ય પાઇપ લાઇન અને ૫૧૭૪ મિટર વિતરણ લાઇન બિછાવવામાં આવી છે. વિતરણ લાઇન ઉપર ૩૭ કુંડી મૂકવામાં આવી છે. પાણીનું વહન કરવા માટે ૨૦ હોર્સ પાવરનો એક એવા ત્રણ પમ્પ મૂકવામાં આવ્યા છે. ખાસ કેન્દ્રીય સહાય હેઠળ જળસંપતિ નિગમ દ્વારા આ યોજના સાકાર થઇ છે.

લોકાર્પણ વેળાએ ધારાસભ્યશ્રી વજેસિંહ પણદા, એપીએમસીના ચેરમેન કનૈયાભાઈ કિશોરી    સરપંચ શ્રી બચુભાઇ પારગી, અગ્રણીશ્રી શંભુભાઇ, શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, શ્રી દીપેશભાઇ લાલપુરવાળા, શ્રી જીથરાભાઇ ડામોર, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી દેવનાની સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.