Western Times News

Gujarati News

એક સમયે ક્લબ-ફૂટથી પીડાતો મહેન્દ્ર હવે ઇટલીની શેરીઓમાં દોડાદોડ કરશે

અમદાવાદ કલેક્ટરશ્રીએ ઇટાલિયન દંપતીની હાજરીમાં  કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી મહેન્દ્રને દત્તક સોંપ્યો

સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટી-‘CARA’એ આ વર્ષે  નવેમ્બર મહિનાને ‘ઇન્ટરનેશનલ એડોપ્શન મંથ’ જાહેર કર્યો છે

ગત માર્ચ મહિનાથી એડોપ્શન પ્રક્રિયા પૂર્ણ થવાની રાહે ઇટલીમાં બેઠેલું દંપતી મહેન્દ્રને રોજ વિડીયો કોલ કરતું હતું. થોડું-ઘણું હિન્દી ગુજરાતી જાણતા મહેન્દ્રને કાને ઇટાલિયન શબ્દો પડવા લાગ્યા હતા. બે દિવસ પૂર્વે અમદાવાદની સામાજિક સંસ્થાના દરવાજે ઇટાલિયન દંપતીએ પગ માંડ્યા ત્યારે છ વર્ષનો મહેન્દ્ર દોડીને તેમને ગળે વળગી પડ્યો. બાળકને દત્તક આપવાની કાનૂની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે. એક સમયે ક્લબ-ફૂટથી પીડાતો મહેન્દ્ર હવે ઇટલીની શેરીઓમાં દોડાદોડ કરશે.

મહેન્દ્રની ઉંમર ઉંમર ૦૫ વર્ષ અને ૧૧ મહિના છે.  ૨.૫ વર્ષની ઉંમરમાં સામાજીક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો ત્યારે મહેન્દ્ર પગની વિકલાંગતા (club foot- ત્રાંસા પગ) અને અપૂર્ણ શારીરિક વિકાસ જેવા પડકારો ઝીલી રહ્યો હતો.

સ્પીચથેરાપી, ફિઝીયોથેરાપી અને જરૂરી તબીબી સારવારને કારણે મહેન્દ્રનો શારીરિક વિકાસ પૂર્વવત બન્યો હતો. આજે નાનકડો મહેન્દ્ર દોડી શકે છે, ડાન્સ કરી શકે છે.

તા. ૧૪-૧૧-૨૦૧૪ ના રોજ જન્મેલા મહેન્દ્રને તેના કાનૂની પિતા- શ્રી આલ્બર્ટો અને માતા- સુ.શ્રી ડોસ્સી સિનલ્ડા વાયા મુંબઈ ઇટલી લઈ જશે.  અમદાવાદ જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ ઇટાલિયન દંપતીને બાળક દત્તક આપવાની કાનૂની પ્રક્રિયા આજે પૂર્ણ કરી હતી. કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈગમન બંધ હતું. ઉપરાંત બાળક દત્તક લેવાની કાનૂની પ્રક્રિયાઓ પણ દુનીયાભરમાં મુલતવી હતી.

જનજીવન હવે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે ‘સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટી’-‘કારા’એ આ વર્ષે નવેમ્બર મહિનાને ‘ઇન્ટરનેશનલ એડોપ્શન મંથ’ જાહેર કર્યો છે. તેમ ‘કારા’ના સ્પેશિયલ રીપ્રેઝન્ટેટિવ શ્રી હસમુખ ઠક્કરે કહ્યું હતું.

મહેન્દ્રના કાનૂની પિતા ઇટલીમાં મેટલ વર્કર અને માતા- પેસ્ટ્રી શેફ છે. મહેન્દ્રની માતાએ કહ્યું કે, ઇટલીમાં અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મહેન્દ્રને હું જીવનના આવશ્યક મૂલ્યો શીખવીશ. તેને કંઈ બનવાનું દબાણ નહીં કરું પરંતુ ખુલ્લાપણું આપી તેનો ઉછેર કરીશ. હું બેકરીમાં શેફ છું તેથી દરરોજ તેને ચોકલેટ ખાવા મળશે, તેમ તેણીએ હસતા હસતા ઉમેર્યું હતું.

મહેન્દ્રના પિતાએ કહ્યું કે, ગત માર્ચમાં જ મહેન્દ્રને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ કોરોના મહામારીને કારણે બધું અટવાઈ પડ્યું હતું. અંતે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારતની કેન્દ્ર સરકાર અને ‘કારા’ના સહયોગથી બધું સમુસુતરું પાર પડ્યું.

જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે કહ્યું કે, મહેન્દ્ર અઢી વર્ષનો હતો ત્યારે માત્ર છ કિલો વજન ધરાવતો હતો, કુપોષિત હતો. સામાજિક સંસ્થાએ તેની યોગ્ય સારસંભાળ કરી તેનો ઉછેર કર્યો છે. આજે બાળ સુરક્ષા વિભાગ અને ‘કારા’ના પ્રયાસો થકી મહેન્દ્રના એડોપ્શની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પ્રશાસન વતી હું અભિનંદન અને આનંદની લાગણી વ્યક્ત કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.