જમ્મુ કશ્મીરના શોપિયાંમાં બે આતંકવાદી ઠાર

શ્રીનગર, જમ્મુ કશ્મીરના શોપિયાં વિસ્તારમાં સિક્યોરિટી દળોએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. આ વિસ્તારમાં બીજા આતંકવાદી છૂપાયા હોય તો તેમની તલાશી ચાલુ હતી.
સિક્યોરિટી પ્રવક્તાએ જણાવ્યા મુજબ શોપિયાંના કુટપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળતાં 34 રાજસ્થાન રાયફલ્સ અને કેન્દ્રીય અનામત પોલીસ દળની ટૂકડીઓ ત્યાં ધસી ગઇ હતી અને આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપી હતી. એના જવાબમાં સામેથી ગોળીબાર શરૂ થયા હતા. સિક્યોરિટી દળોએ વળતા ગોળીબાર કર્યા હતા જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા.
આ બંનેની ઓળખ કરવાની હજુ બાકી હતી. આ વિસ્તારમાં કદાચ બીજા આતંકવાદી છૂપાયા હોઇ શકે એવી શક્યતા પરથી સિક્યોરિટી દળોએ સઘન તપાસ શરૂ કરી હતી.
દરમિયાન, ભારતીય લશ્કરના ગુપ્તચર વિભાગને મળેલી બાતમી મુજબ લાઇન ઑફ કન્ટ્રોલની પેલે પાર પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી તાલીમ શિબિરો ધમધમતા થઇ ગયા હતા. 300થી વધુ આતંકવાદી દેશમાં ઘુસવાની ફિરાકમાં હતા.
પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓએ એવી સૂચના આ આતંકવાદીઓને આપી હતી કે બરફ પડવાનો શરૂ થઇ જાય અને ઘુસણખોરીના માર્ગો બંધ થઇ જાય એ પહેલાં બને તેટલા આતંકવાદીઓને કશ્મીર વેલીમાં ધુસાડી દેવા.
બોર્ડર સિક્યોરિટી ફોર્સના વધારાના ડાયરેક્ટર જનરલ સુરીન્દર પવારે કહ્યું હતું કે લોંચિંગ પેડ્સ પર અઢીસોથી ત્રણસો આતંકવાદીએા દેશમાં ઘુસવા માટે તૈયાર બેઠાં હોવાની માહિતી મળી હતી. આપણા સિક્યોરિટી દળો સતર્ક હતાં.