Western Times News

Gujarati News

નર્મદા જિલ્લા કલેક્ટરે પરિસ્થિતિ  પર ચાંપતી નજર રાખીને કામગીરીની કરેલી સમીક્ષા

સલામત સ્થળાંતર માટેની ચેતવણીને અવગણનાર પાણીમાં ફસાયેલા રામગઢ-ઓવારા બ્રિજ ઇજારદારના પાંચ શ્રમિકોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન: તમામનો આબાદ બચાવ

રાજપીપલા, ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ  ભારે વરસાદની કરાયેલી આગાહીને અનુલક્ષીને નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે આજે રાજપીપલા કલેક્ટરાલયના પૂર નિયંત્રણ કક્ષ ખાતે સવારથી જ સતત હાજરી આપીને જિલ્લામાં થઇ રહેલા ભારે વરસાદને લીધે જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખીને તાલુકાના પૂર નિયંત્રણકક્ષ પાસેથી સમયાંતરે જરૂરી વિગતો મેળવીને ફરજ ઉપરના અધિકારીઓ/ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. જિલ્લા કલેક્ટરશ્રીની સાથે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ અને ડિઝાસ્ટર મામલતદારશ્રી સોંલકી પણ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ ખાતે ઉપસ્થિત રહીને જિલ્લાના સબંધિત તાલુકાઓની વિગતો  સતત અપડેટ ની જવાબદારી સંભાળી હતી.

આજે રાજપીપલા શહેરમાં રાજપીપલા ઓવારાથી રામગઢ ગામ સુધીનો જે બ્રિજનું બાંધકામ થઇ રહ્યું છે તેમાં રામગઢ ગામ તરફ બ્રિજના ઇજારદારનાં પાંચ જેટલા શ્રમિકોએ આજે સવારે કરજણ ડેમમાંથી પાણી છોડતા પહેલાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવાની તંત્ર વાહકો દ્વારા અપાયેલી સૂચનાને અવગણતા ઇજારદારના જેસીબી મશીન પર  અટવાઇ જવાથી આ શ્રમિકો ત્યાં ફસાઇ જવાના અહેવાલ મળતાં જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલની સૂચના અને માર્ગદર્શન તેમજ રાજપીપલા પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગતની રાહબરી અને નિગરાની હેઠળ રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અમિત પંડ્યાના નેતૃત્વ હેઠળ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે પોલીસની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું અને બોટ દ્વારા આ તમામ પાંચેય શ્રમિકોને હેમખેમ બહાર કાઢીને તેમનો આબાદ બચાવ કરાયો હતો.

જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા. ૪ થી ઓગસ્ટ, ૨૦૧૯ને રવિવારના રોજ બપોરે ૧:00 કલાકે કરજણ ડેમમાંથી ૯૧,૭૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતાં ડેમની સપાટી બપોરે ૧: ૦૦ કલાકે ૧૧૦.૪૦ મીટર રહેવા પામી હતી. કરજણ નદીમાં ઉક્ત પાણીનો જથ્થો છોડવાને લીધે અસર પામતાં નાંદોદ તાલુકાના રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચા ગામોના ગ્રામજનોને આજે સવારથી જ અગમચેતીના ભાગરૂપે કરજણ નદીમાં ન જવા માટે નર્મદા જિલ્લા પ્રશાસન તરફથી ચેતવણી આપવા ઉપરાંત કરજણ નદીમાં કોઇએ પણ જવું નહી તેવી સલાહ પણ અપાઇ હતી. આજે  બપોરે કરજણ ડેમમાંથી પાણી છોડાયું ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમે કરજણ ડેમ સાઇટની મુલાકાત લઇ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું

તદ્દઉપરાંત સાગબારા તાલુકાના ઉભારીયા  ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત બનેલ ચેકડેમમાં થયેલ લીકેજીસને લીધે ઉદભવેલી પરિસ્થિતિને અનુલક્ષીને આ ગામોની ૬૬ જેટલી વ્યક્તિઓનુ હંગામી ધોરણે ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળામાં સલામત રીતે સ્થળાંતર કરાયુ હતુ. તાલુકા વહિવટી તંત્ર દ્રારા ગામ લોકોની જરૂરીયાત મુજબ જરૂરી દવા અને ભોજનની વ્યવસ્થા પૂરી પડાઇ હતી. આશરે ૩ થી ૪ કલાકના ટૂંકા સમયના સ્થળાંતર બાદ આ તમામ ૬૬ વ્યક્તિઓ પુન: પોતાના ઘરમા પરત ફર્યા છે.  તેવી જ રીતે બોરડી ફળીયાના તળાવમાં પણ લીકેજીસ થવાથી આ તળાવ ક્ષતિગ્રસ્ત થયેલ છે પણ તેનાથી કોઇ જાનહાનિ કે અન્ય નુકશાન થયેલ નથી તેવો અહેવાલ પણ જિલ્લા પૂર નિયંત્રણકક્ષ તરફથી પ્રાપ્ત થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.