હત્યા કેસમાં ૧૫ વર્ષથી ફરાર આરોપી બેંગલુરૂથી ઝડપાયો
અમદાવાદ, વર્ષ ૨૦૦૬માં શહેરકોટડા વિસ્તારમાં સંજુ ચૌહાણ નામના યુવકની હત્યા કરનાર આરોપીને ૧૫ વર્ષ બાદ ક્રાઈમ બ્રાંચે બેંગલુરુથી ઝડપી લીધો છે. હત્યા કર્યા બાદ આરોપી સોનુ ઉત્તરપ્રદેશમાં પોતાના વતનમાં ખેતી કરવા ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ત્યાંથી ૨૦૧૯માં તે બેંગલુરુ પહોંચ્યો હતો ત્યાં કલર કામ કરતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાં પહોંચી પકડી શહેરકોટડા પોલીસને સોંપ્યો હતો. જેથી પોલીસે આરોપીના રિમાન્ડ માગવા માટે તજવીજ હાથ ધરી છે.
વર્ષ ૨૦૦૬માં શહેરકોટડા મેમ્કો ખાતે સંજૂ ચૌહાણ નામના યુવકની હત્યા થઈ હતી. પોલીસે રાજુસીંગ મહેન્દ્રસિંહ ચૌહાણ, સુધીરસીંગ, દીપક, વિનોદ અને દુર્ગવિજયસિંહ સામે હત્યાની ફરિયાદ નોંધી તપાસ કરી હતી. જે બાદ આ હત્યામાં સોનુ ઉર્ફે ધોની રામસ્વરુપસીંગ સેંગરની પણ સંડોવણી બહાર આવી હતી. જોકે પોલીસ ઝડપી લે તે પહેલા તે વતન પલાયન થઈ ગયો હતો. તેમજ ત્યારબાદ સતત નાસતો ફરતો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો.
સોનુએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે અમદાવાદમાં ધમાલ થયા બાદ પોતે ત્રણ વર્ષ માટે અમદાવાદ ખાતે જીજાજી બીશરામસિંગ ભદોરિયાને ત્યાં ત્રણ વર્ષ માટે રોકાયો હતો. આ દરમિયાન કૃષ્ણનગર, હીરાવાડી નજીક લોખંડ ગાળવાની ભઠ્ઠીમાં કામ કરતો હતો. જે બાદ ૨૦૦૬માં સંજુ ચૌહાણની હત્યામાં પોતાનું નામ ખૂલ્યું હોવાની તેને ખબર પડતા અમદાવાદ છોડી પોતાના વતન ઉત્તરપ્રદેશ જતો રહ્યો. અહીં ખેતીકામ કરવાનું શરું કર્યું. તેના પછી દિલ્હી જઈને મિઠાઇ બનાવવાનું કામ કરતો પરંતુ અહીંથી પણ દોઢ મહિનામાં ફરી પોતાના વતન ચાલ્યો ગયો.
ત્યાં તેણે આસપાસના ગામડાઓમાં ડીજે વગાડવાનું કામ શરું કર્યું અને જુદા જુદા અનેક લોકો સાથે ભાગીદારી કરી હતી. જે બાદ ૨૦૧૯માં આખરે તે બેંગલુરુ પહોંચ્યો અને કલર કામ કરતો હતો.SSS