વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/11/NAT-scaled.jpg)
અમદાવાદ: હવે માતા-પિતા તરફથી મળતા રોગોથી બાળકને બચાવી શકાશે, એટલે કે વારસાગત રોગોથી મુક્ત બાળકનો જન્મ થઈ શકશે. સરોગસી માટે જાણીતા આઈવીએફના નિષ્ણાત ડો. નયના પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમણે આણંદ સ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં પ્રિઈમ્પાલન્ટેશન જિનેટિક ટેસ્ટિંગ ફોર મોનોજેનિક ડિસઓર્ડરથી એલ્બિનિઝમ રંગહીનત્વથી મુક્ત તંદુરસ્ત બાળકનો જન્મ કરાવ્યો છે. જેમાં ઓસીએ ૧ જનીનમાં પરિવર્તન તપાસવા માટે પૂર્વનિર્ધારણ ગર્ભ નિદાન કરવામાં આવ્યું હતું.
આ કેસને જનરલ ઓફ હ્યુમન રિપ્રોડક્ટિવ સાયન્સિસના હાલમાં અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આઈવીએફ નિષ્ણાત ડો. નયના પટેલે જણાવ્યું કે, ‘એલ્બિનિઝમ-રંગહીનત્વ, થેલેસેમિયા, પોલિસિસ્ટિક, કિડનીની બીમારી જેવા જિનેટિક ડિસઓર્ડર એટલે કે વારસાગત રોગો, વિકાર કે પરિવર્તન પામેલા જિન પરિવાર દ્વારા તેમના વંશજોને મળે છે. પરંતુ હવે માતા-પિતાથી વારસામાં મળતા રોગથી બાળકને બચાવી શકાશે. આણંદ સ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં પીજીટી-એમથી આલ્બિનિઝમ ટાઈપ ઓસીએ ૧ એટલે કે રંગહીનત્વથી મુક્ત તંદુરસ્ત બાળકનો જન્મ કરાવવામાં સફળતા મેળવી છે. આલ્બિનિઝમ એ ભાગ્યે જ જોવા મળતી વારસાગત બીમારી છે.
ઓક્યુલોક્યુટેનિયસ આલ્બિનિઝમ એક એવી સ્થિતિ છે જે સ્કિન, વાળ અને આંખના રંગ સાથે સંબંધિત છે. જેમાં અસરગ્રસ્ત લોકો સામાન્ય રીતે ખૂબ જ સફેદ અથવા આછા રંગના વાળ ધરાવે છે. આ સ્થિતિવાળા લોકોમાં સામાન્ય રીતે દ્રષ્ટિમાં સમસ્યા હોય છે. મૂળ ભારતીય અને આફ્રિકામાં સ્થાયી થયેલા દંપતીનું ૪ વર્ષનું બાળક ઓક્યુલોક્યુટેનિયસ આલ્બિનિઝમ ટાઈપ ૧થી પીડિત હતું.
જેની તપાસ કરતાં જાણ થઈ કે, માતા-પિતામાં ઓસીએ ૧ જનીનમાં પરિવર્તનના લીધે બાળકને આ વારસામાં મળ્યું છે. તેથી આલ્બિનિઝમ માટે જવાબદાર ઓસીએ ૧ જનીનમાં પરિવર્તનની તપાસ કરવા માટે ગર્ભનું પૂર્વનિર્ધારણ નિદાન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
દંપતીને આનુવંશિક જોખમ, સફળતા દર, નિદાનનું જોખમ અને ગર્ભાવસ્થા દરમિયાન પ્રિનેટલ નિદાનના મહત્વ વિષે સલાહ આપવામાં આવી હતી. જે બાદ દંપતી પીજીટી-એમ પરીક્ષણ માટે સંમત થતા આગળવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.