શિલ્પા શેટ્ટી તેની ભાવી વહુને ૨૦ કેરેટની ડાયમંડ રિંગ આપશે
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેના બાળકોને કેટલો પ્રેમ કરે છે, તે વાતની સાબિતી તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટનું બાયો આપી રહ્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, મમ્મી પહેલા અને પછી પત્ની, એક્ટર, આંત્રપ્રિન્યોર, માઈન્ડફુલ યોગી, વેલનેસ ઈન્ફ્લુએન્સર અને પોઝિટિલ થિન્કર. એક્ટ્રેસે જે વાત ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખી છે તે વાતનો અર્થ પણ તે સારી રીતે સમજે છે. શિલ્પા શેટ્ટી જ્યારે પણ ફ્રી હોય છે ત્યારે અન્ય હીરોઈનોની જેમ આઉટિંગ કરવાના બદલે પોતાના બંને બાળકો વિયાન અને સમિષા સાથે સમય પસાર કરે છે. એક્ટ્રેસ પોતાની આંગળીમાં ૨૦ કેરેટની ડાયમંડ રિંગ પહેરે છે.
હાલમાં એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે હંમેશા તેના દીકરાને કહે છે કે તે આ રિંગ તેની ભાવી પત્નીને આપશે. પરંતુ ત્યારે જ જ્યારે તેની વહુ તેની સાથે સારી રીતે રહેશે નહીં તો પછી તેણે નાના ડાયમંડથી કામ ચલાવવું પડશે. શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. તે ઘણીવાર બાળકો અને પતિ સાથેની તસવીરો શેર કરતી રહે છે. આ સિવાય તેનો ફૂડ પ્રત્યેનો પ્રેમ પણ અજાણ્યો નથી. હાલમાં એક્ટ્રેસે તે કારમાં બેસીને વડાપાંવ અને ભજીયાનો આનંદ માણી રહી હોય તેવો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો તેના પતિ રાજ કુંદ્રાએ બનાવ્યો હતો.
શિલ્પા વીડિયોમાં કહી રહી હતી કે, ‘આજે રવિવાર છે અને હું પોતાને વડાપાંવ ખાવાથી રોકી શકતી નથી’. વડાપાંવ સિવાય તેણે પાલકના ભજીયા પણ ખાધા હતા. શિલ્પા અને રાજના લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતા. કપલને ત્યાં ૨૦૧૨માં દીકરા વિયાનનો જન્મ થયો હતો. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કપલ બીજી વખત સમિષા નામની દીકરીના માતા-પિતા બન્યા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, આશરે એક દશકા બાદ શિલ્પા શેટ્ટીએ બોલિવુડમાં કમબેક કરવા જઈ રહી છે.
તેની અપકમિંગ ફિલ્મ ‘નિકમ્મા’ છે. જેનું શૂટિંગ તેણે હાલમાં જ આટોપ્યું હતું. આ સિવાય શિલ્પા શેટ્ટી ફિલ્મ ‘હંગામા ૨’માં પણ જોવા મળવાની છે. જે પ્રિયદર્શને ડિરેક્ટ કરી છે. કોમેડી ફિલ્મમાં શિલ્પાની સાથે પરેશ રાવલ, મીઝાન અને પ્રનીતા સુભાષ પણ છે.