અભિનેતા રિતિક રોશન નવા લૂકમાં જોવા મળ્યો
મુંબઈ: બોલીવૂડ ગ્રીક ગોડ રિતિક રોશન નવા લૂકમાં જોવા મળ્યો છે. હાલમાં રિતિકે પોતાનો લૂક બદલ્યો છે અને હવે તે પણ બિયર્ડ ટ્રેન્ડમાં જોડાઈ ગયો છે. રિતિકે દાઢી અને મૂછો વધારી છે અને તેના આ નવા લૂકે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. તાજેતરમાં જ રિતિક સફેદ શર્ટ, ટાઈ અને કોટમાં પોતાની ગાડીમાં જોવા મળ્યો હતો. ત્યારે તેનો આ નવો લૂક કેમેરામાં કેદ થયો હતો. જેવા નવા લૂકમાં તેની તસ્વીરો ઓનલાઈન આવી તે સાથે જ તેના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી હતી.
જોકે, તેમના મનમાં એક સવાલ ચોક્કસથી હતો કે શું રિતિકે અમસ્તો જ નવો લૂક રાખ્યો છે કે તે પછી કોઈ ફિલ્મ માટે રાખ્યો છે. રિતિક રોશને છેલ્લે વોર ફિલ્મ કરી હતી અને ત્યારપછી તેણે આગામી ફિલ્મ અંગે કોઈ જાહેરાત કરી નથી. જોકે, માનવામાં આવી રહ્યું છે કે તે પોતાની સુપરહિરો ફિલ્મ ક્રિશ કરવાનો છે. આ ઉપરાંત એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તે હોલિવૂડની ફિલ્મમાં પણ કામ કરવાનો છે. રિતિક રોશનની છેલ્લી કેટલીક ફિલ્મો ચાલી ન હતી
પરંતુ ગત વર્ષે જ આવેલી તેની સુપર-૩૦ ફિલ્મ ઘણી જ સફળ રહી હતી. જેમાં તેણે આનંદ કુમારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ એક બાયોપિક હતી જે આનંદ કુમાર નામના શિક્ષકના જીવન પર બનેલી છે. આનંદ કુમારે સુપર-૩૦ નામનો એક પ્રોગ્રામ તૈયાર કર્યો હતો જેમાં તેમણે વંચિત અને ગરીબ ૩૦ વિદ્યાર્થીઓને આઈઆઈટીની પરીક્ષા માટેની તૈયારી મફતમાં કરાવી હતી.