ક્રાઈમબ્રાંચે બહેરામપુરામાંથી ૩ ઈસમોને ચોરીના ૩ર મોબાઈલ સાથે ઝડપ્યા
એક મોટરસાયકલ પણ કબ્જે
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેર ક્રાઈમબ્રાંચની એક ટીમે પેટ્રોલિંગ દરમિયાન બહેરામપુરા વિસ્તારમાંથી બે બનાવોમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને ૩ર મોબાઈલ તથા મોટર સાયકલ સહીત કુલ સાડા ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો વધુમાં સાત ગુના ડિટેકટ પણ કર્યાં છે. આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમબ્રાંચના પીઆઈ બલોચની ટીમના પીએસઆઈ કે.એમ. બેરીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોરીના મુદ્દામાલની બાતમી મળતા બહેરામપુરામાં વોચ ગોઠવી હતી અને માહીતી મુજબનો શખ્સ તૌસીફ ઉર્ફે તડી ઉર્ફે બાવા બાબુભાઈ મલેક (ર૬) અલ્લાનગર નન્નુભાઈ પ્રમુખની બાજુમાં દાણીલીમડામાં તેના ઘરેથી નીકળી બહેરામપુરા તરફ જતો હતો ત્યારે તેને ઝડપી લીધો હતો અને તપાસ કરતા તેની પાસેથી ર૯ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પૂછપરછમાં તૌસીફનો સાગરીત સલમાન ઉર્ફે બુધો (અલ્લાનગર) શહેરના જુદાં જુદાં વિસ્તારોમાંથી મોબાઈલ ફોન ચોરી લાવ્યો હતો જેને તૌસીફ વેચવા જતો હોવાનું કબુલ્યુ હતું તેણે ૧૬ ગુનાની કબુલાતો કરી છે ક્રાઈમબ્રાંચે રૂપિયા ૩.પ૦ લાખના મુદ્દામાલ સહીત તૌફીકને દાણીલીમડા પોલીસને સોપ્યો છે જયારે સલમાનને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
જયારે ક્રાઈમબ્રાંચની એ જ ટીમે બહેરામપૂરાના કલ્યાણજી આનંદજી ફલેટો નજીકથી બાતમીને આધારે બે શખ્સોને ઝડપી લીધા હતા તેમની તપાસ કરતા ર૪ હજારની કિંમતના ૩ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ અંગે કડક પૂછપરછ કરતા પકડાયેલા મુનાફ મુસાજી ખેડવાલા (૪૭) રહે. રાવડીયાવાસ, પાંચ પીપળી, જમાલપુર અને મોહસીન ઉર્ફે કાલુ ભેડીયા અમીરમીયાં શેખ (ર૭) રહેમતી મહોલ્લા, દાણીલીમડા એ તમામ ફોન મોહસીને ચોરી કર્યા બાદ બંને બહેરામપુરામાં વેચવા ઉભા હોવાનું કબુલ્યું હતું. ક્રાઈમબ્રાંચના પીએસઆઈ બેરીયાએ ટીમ સાથે એક જ દિવસમાં બે કાર્યવાહીમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને સાત ગુનાનાં ભેદ ઉકેલ્યા છે.