હેલ્મેટ પહેર્યું છતાંય બાઈક ચાલકનું ડમ્પરની ટક્કરે મોત
વડોદરા, હેલ્મેટ અકસ્માત વખતે સુરક્ષા ચોક્કસ આપે છે, પરંતુ તેની સો ટકા ગેરંટી નથી. વડોદરામાં બનેલી આવી જ એક કમકમાટીભરી ઘટનામાં હેલ્મેટ પહેરીને બાઈક ચલાવી રહેલા યુવકનું ડમ્પરની અડફેટે કરુણ મોત નીપજ્યું છે. મૃતકની ઉંમર માત્ર ૨૮ વર્ષની હતી. જવાનજોધ દીકરાના મોતથી તેના પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું છે. મંગળવારે બનેલી આ ઘટનામાં ૨૮ વર્ષનો આશાસ્પદ યુવક ઉર્શીલ દેસાઈ બાઈક લઈને મંગલ પાંડે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે એક ડમ્પરની ટક્કર વાગતા યુવક રોડ પર ફંગોળાયો હતો, અને ડમ્પરના ટાયર તેના માથા પર ફરી વળ્યા હતા. આ અકસ્માતમાં ઉર્શીલે પહેરેલું હેલ્મેટ પણ તૂટી ગયું હતું, અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા ઉર્શીલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઈવર તેને મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, કોંક્રિટ મિક્સર ડમ્પર અગોરા મોલ સાઈટમાંથી બહાર આવી રહ્યું હતું, અને યુવક બાઈક લઈને વુડા સર્કલ તરફ જઈ રહ્યો હતો. જોકે, ડમ્પર ચાલકની નજર ઉર્શીલ પર ના પડતાં તે તેની અડફેટે આવી ગયો હતો.
મૃતક ઉર્શીલ દેસાઈ એક પ્રાઈવેટ એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીમાં નોકરી કરતો હતો. એક તરફ વડોદરા શહેરમાં સવારે અને સાંજે ભારે વાહનો પર પ્રવેશબંધી છે. જો કોઈ વાહનને એન્ટ્રી લેવી હોય તો પણ તેને પૂર્વમંજૂરી લેવી પડે છે. તેવામાં આ ડમ્પર માટે પરમિશન લેવાઈ હતી કે કેમ તેની પણ તપાસ શરુ કરાઈ છે.
મૃતકના પિતાની ફરિયાદના આધારે હાલ સમા પોલીસ સ્ટેશનમાં ડમ્પર વડોદરામાં સવારે ૭થી બપોરે એક વાગ્યા સુધી અને સાંજે ૫થી ૯માં ભારે વાહનોને નો-એન્ટ્રી છે. જોકે, આ કાયદાનું ભાગ્યે જ પાલન થાય છે. થોડા દિવસો અગાઉ પોલીસે નિયમ તોડી શહેરમાં ઘૂસતા ભારે વાહનોને અટકાવીને દંડ કરવા સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરી હતી. પરંતુ ડ્રાઈવ સમાપ્ત થતાં જ ફરી ભારે વાહનો બેરોકટોક શહેરમાં ઘૂસી રહ્યા છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં લાંબા સમયથી લોકો સ્પીડ બ્રેકર બનાવવાની માગણી કરી રહ્યા હતા. જોકે, તંત્રએ ધ્યાન ના આપતા લોકોએ જાતે જ સ્પીડ બ્રેકર બનાવ્યા હતા. જોકે કોર્પોરેશન દ્વારા તેને સોમવારે જ હટાવી દેવાયું હતું, અને બીજા જ દિવસે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. સ્થાનિકોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે જો સ્પીડ બ્રેકર હોત તો યુવકનો જીવ બચી ગયો હોત.SSS