મ્યુનિ.કોર્પાેરેશને કોરોના ટેસ્ટીંગ માટે નીતિ બદલીઃ ટેમ્પરેચર હશે તો જ ટેસ્ટ થશે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા કોરોના એન્ટીજન ટેસ્ટ માટે ઉભા કરવામાં આવેલા કીઓસ્કને કેટલાક લોકોએ “મજાક”નું કેન્દ્ર બનાવ્યું હતું. તથા રોજે-રોજ ટેસ્ટ કરાવતા હતા. જેના કારણે મનપાને કોરોના ટેસ્ટ માટે આકરા નિર્ણય લેવાની ફરજ પડી છે.
મ્યુનિ.કોર્પાેરેશને છેલ્લા બે માસથી કોરોના ટેસ્ટ માટે સઘન ઝુંબેશ શરૂ કરી છે. સહુ પ્રથમ ખાનગી સોસાયટીઓમાં ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ થઈ હતી. ત્યારબાદ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ અને મોટા બજારોમાં પણ વિનામૂલ્યે ટેસ્ટ કર્યા હતા. તે સમયે નાગરીકો ટેસ્ટ કરાવતા ડરી રહ્યા હતા. તેમજ મ્યુનિ.અધિકારીઓની સમજાવટ બાદ ટેસ્ટ કરાવતા હતા. જ્યારે બે મહિના બાદ ચિત્રમાં બદલાવ આવ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશને ૪૮ વોર્ડમાં લગભગ ૧૫૦ જેટલા ટેસ્ટીંગ કીઓસ્ક ઉભા કર્યા છે. તેમાં પણ નારિકોના વિનામૂલ્યે ટેસ્ટ થઈ રહ્યા છે. પરંતુ કેટલાંક લોકો તેનો દુરૂપયોગ કરી રહ્યા હોવાની વાત બહાર આવી છે. એક કીઓસ્ક પર પોઝીટીવ રીપોર્ટ આવતાં નજીકમાં આવેલા બીજા કીઓસ્ક પર ફરીથી ટેસ્ટ કરાવનારની સંખ્યા વધી છે.
તદુપરાંત કોઈપણ લક્ષણો ન હોવા છતાં માત્ર માનસિક ડરના કારણે પણ લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે. જેના કારણે કીઓસ્ક પર લાંબી કતારો લાગે છે તેમજ તંત્રની કીટો પણ વેડફાય છે. જેના કારણે, મ્યુનિ.કોર્પાેરેશને ટેમ્પરેચર ગન દ્વારા તાપમાનની ચકાસણી કર્યા બાદ જ ટેસ્ટ કરવા નિર્ણય કર્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ કીઓસ્ક કે અર્બન સેન્ટર પર કોરોના ટેસ્ટ માટે આવનાર નાગરીકનું તાપમાન ૩૮ સેલ્સીયસથી વધારે હશે તો જ ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ કરતા પહેલાં તાપમાનની સાથે સાથે કોરોનાના અન્ય લક્ષણો જેવા કે ખાંસી, શરદી વગેરે માટે પણ તપાસ કરવામાં આવશે.
નિષ્ણાંતોના મંતવ્ય મુજબ નાગરીકો ટેસ્ટ માટે લાઈનમાં ૩૦થી ૪૦ મીનીટ ઉભા રહે છે. જાે કોરોના પોઝીટીવ હોય તો કોઈપણ વ્યક્તિ આટલો સમય લાઈનમાં ઉભા રહી શકે નહિં. તેવી જ રીતે એન્ટીજન ટેસ્ટમાં સામાન્ય શરદી-ઉધરસમાં પણ પોઝીટીવ કેસ આવ્યા હોવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. જ્યારે એન્ટીજનમાં નેગેટીવ આવ્યા બાદ તબીબો આરટીપીસીઆર માટે સલાહ આપે છે. તેમાં પણ નેગેટીવ આવે તો સીટી સ્કેન અને અંતે લોહી પરીક્ષણ કરવામાં આવે છે. જેના કારણે કોરોના પોઝીટીવ કન્ફર્મ થાય તે પહેલાં જ વ્યક્તિ માનસિક રીતે તૂટી જાય છે.
મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તહેવારના સમયે જ ટેસ્ટીંગ નીતિમાં બદલાવ કરવાનો નિર્ણય ખોટો છે. એક તરફ સુપર સ્પ્રેડરને ટેસ્ટ કરાવવા ફરજ પાડવામાં આવી રહી છે. બીજીતરફ, ટેસ્ટ કરાવવા માટે ટેમ્પરેચર અને અન્ય નિયમો ફરજીયાત કરવામાં આવી રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશનની આ બેવડી નીતિ સમજવી મુશ્કેલ છે. દિવાળીના તહેવાર બાદ શાળાઓ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. તેવા સંજાેગોમાં વધુ વ્યક્તિઓના ટેસ્ટ થાય તે માટે પ્રયાસ થાય તે જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.