સોલામાં વ્યાજખોરે ઘરમાં ઘુસી પરીવારને ખતમ કરવાની ધમકી આપી
કાયદા કડક બનાવવા છતાં વ્યાજખોરો બેફામ
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકારે ગેરકાયદેસર રીતે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી કરતા શખ્સો વિરુધ્ધ કાયદો ઘડીને તેમને ગુંડા એક્ટ તથા પાસા હેઠળ સજા મળે તેવી ગોઠવણ કરી છે જાેકે મલાઈ જેવી આવક ખાવાની ટેવ ધરાવતા આ અસામાજીક તત્વો કડકમાં કડક કાયદા પણ ઘોળીને પી ગયા હોય તેમ અવારનવાર વ્યાજખોરો દ્વારા માર મારવાની ધમકીઓ આપ્યાની ફરિયાદો સામે આવે છે ત્યારે આવી જ વધુ એક ફરીયાદ સોલાની રહીશ એવી મહીલાએ નોંધાવી છે. તેમના પુત્રએ વ્યાજે ૮૦ લાખ લીધા બાદ ૪ મહીનાનું વ્યાજ ન ચૂકવતા વ્યાજખોર મહીલાના ઘરમાં ઘુસી ગયો હતો અને તેમને ગાળો બોલી ડરાવી પુત્રને જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપી હતી.
ફરીયાદી અરુણાબેન (રહે. ડીવાઈન બંગ્લોઝ, સોલા)ના પતિ સુરેશભાઈ જાની સીધુભવન રોડ પર ગ્લોબલ હોસ્પીટલ ધરાવે છે અને મેડીકલ વ્યવસાય સાથે સંકળાયેલા છે જયારે પુત્ર દ્રુવ તેની પત્ની તથા દિકરા સાથે સુંદરવન એપીહોમ સેટેલાઈટ ખાતે રહે છે. બપોરે ત્રણ વાગ્યે અરુણાબેન ઘરે એકલા હતા ત્યારે ભરત દેસાઈ (આર્યન, સત્તાધાર) તેના ડ્રાઈવર સાથે ઘરે આવ્યો હતો અને સુરેશભાઈ અંગે પૃચ્છા કરતાં અરુણાબેને ઘરે નહી હોવાનું કહયું હતું જેથી ભરત ત્યાંથી જતો રહયો હતો પરંતુ રાત્રે આઠ વાગ્યે તે ફરી આવ્યો હતો અને સીધો રસોડામાં ઘુસી “જાનીકાકા ઘરમાં જ છે તમે સંતાડી રાખ્યા છે.” કહી અરુણાબેનને ધમકાવ્યા હતા અને આખું ઘર ફેંદી વળવા છતાં સુરેશભાઈ ન મળતા અરુણાબેન તથા નોકર બચુભાઈને ગાળો બોલીને ધ્રુવ મારો ફોન કેમ ઉપાડતો નથી હું તારા દિકરાના ઘરે જઉ છું હું ખતમ થઈ જશઈ અને તેને પણ જીવતો નહી રહેવા દઉ, આખા ફેમીલીને મારી નાંખીશ.” તેમ કહયું હતું ભરત જતો રહેતા અરુણાબેને પતિ અને દિકરાને જાણ કરી હતી બાદમાં સોલા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશભાઈએ ભરત પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂપિયા ૮૦ લાખ લીધા હતા જેમાંથી ૭૬ લાખ ચુકવી આપ્યા હતા જાેકે લોકડાઉનને પગલે ચાર મહીનાનું વ્યાજ બાકી રહી ગયું હતું.