પ્રધાનમંત્રી અને WHOના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ વચ્ચે ફોન પર ચર્ચા થઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ સાથે ટેલીફોન પર વાત કરી હતી. Phone call between Modi and H.E. Dr. Tedros Adhanom Ghebreyesus, Director General of the WHO
પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળાના સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રતિભાવની સુવિધા ઊભી કરવામાં ડબલ્યુએચઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે એમની પ્રશંસા કરી હતી. તેમણે અન્ય રોગો સામેની લડાઈને નજર અંદાજ ન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા વિકાસશીલ દેશોની આરોગ્ય વ્યવસ્થાને ટેકો આપવામાં ડબલ્યુએચઓના મહત્ત્વને સ્વીકાર્યું હતું.
ડબલ્યુએચઓના મહાનિદેશકે સંસ્થા અને ભારતીય આરોગ્ય સંસ્થાઓ વચ્ચે ગાઠ અને નિયમિત જોડાણ પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને આયુષ્માન ભારત યોજના અને ભારતની ક્ષય (ટ્યુબરક્યુલોસિસ) સામેની લડત જેવી સ્થાનિક પહેલોની વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરની આરોગ્યલક્ષી સમસ્યાઓનું સમાધાન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
પ્રધાનમંત્રી અને મહાનિદેશકે પરંપરાગત તબીબી ઉપચાર વ્યવસ્થાઓના મૂલ્ય પર ફળદાયક ચર્ચા કરી હતી, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોની સુખાકારી અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે. તેઓ સંપૂર્ણ આચારસંહિતા દ્વારા આધુનિક તબીબી રીતમાં પરંપરાગત તબીબી ઉપચાર પદ્ધતિઓનો સમન્વય કરવાની તથા વર્ષોથી અસરકારક પુરવાર થયેલી પરંપરાગત તબીબી ઉત્પાદનો અને પદ્ધતિઓની કાળજીપૂર્વક વૈજ્ઞાનિક માન્યતા માટેની જરૂરિયાત પર સંમત થયા હતા.
મહાનિદેશક ટેડ્રોસે ભારપૂર્વક જણાવ્યું હતું કે હજુ સુધી પરંપરાગત દવાઓની અસરકારકતાનો પર્યાપ્ત સ્વીકાર થયો નથી. તેમણે કહ્યું હતું કે, ડબલ્યુએચઓ આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પદ્ધતિઓના સંશોધન, તાલીમ અને વહેંચણીને પ્રોત્સાહન આપવા સક્રિયપણે કામ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ આ પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ‘કોવિડ-19 માટે આયુર્વેદ’ થીમ અંતર્ગત 13 નવેમ્બરના રોજ ભારતમાં આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરવાની જાણકારી મહાનિદેશકને આપી હતી.
પ્રધાનમંત્રી અને મહાનિદેશકે કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરના જોડાણ પર પણ ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં મહાનિદેશકે પ્રધાનમંત્રી મોદીની આંતરરાષ્ટ્રીય સમુદાયના લાભ માટે રસીઓ અને ફાર્માસ્યુટિકલ્સના અગ્રણી ઉત્પાદક તરીકે ભારતની ક્ષમતાઓનો ઉપયોગ કરવાની કટિબદ્ધતાની પ્રશંસા કરી હતી.