નવજોત સિંહ સિદ્ધુના ઘરે કપિલ શર્માએ ભોજન લીધું
મુંબઈ: ધ કપિલ શર્મા શોનો હોસ્ટ કપિલ શર્મા હાલ અમૃતસરની મુલાકાતે છે. જ્યાં તે સૌથી પહેલા સુવર્ણ મંદિર દર્શન કરવા માટે પહોંચ્યો હતો અને બાદમાં તેણે શોના પૂર્વ કો-સ્ટાર નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. કપિલ શર્મા તેમના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં તેમની સાથે ઘણા કલાકો પસાર કર્યા હતા. કપિલે સોશિયલ મીડિયા પર તેમની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી છે. જેમાં આ બંને સિવાય તેમના અન્ય કેટલાક મિત્રો પણ સાથે ભોજન લેતા જોવા મળી રહ્યા છે.
તસવીરોમાં કપિલ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી રહ્યો છે, જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ પારંપરિક પોષાક પહેર્યો છે. આ સિવાય નવજોત સિંહ સિદ્ધુએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામમાં કપિલ સાથેની મુલાકાતની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં બંને કોઈ વાત પર હસતા જોવા મળી રહ્યા છે. તસવીરોની સાથે તેમણે લખ્યું છે કે, ‘જીનિયસ કપિલની સાથે મારા મિત્રો દીપક, ઋષિ અને ગુરજોતને બોલાવવામાં આવ્યા હતા. કપિલ અને સિદ્ધુની આ તસવીરો પર ફેન્સે ખૂબ કોમેન્ટ કરી છે.
એકે લખ્યું છે કે, સિદ્ધુ પાજી પ્લીઝ શોમાં પાછા આવી જાઓ. એક ફેને લખ્યું છે કે, મુલાકાત કરી રહ્યા છો તો શો પર પણ આવો. કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શોમાં સાથે કામ કરનારા સિદ્ધુ અને કપિલનું એકબીજા સાથેનું બોન્ડિંગ સારું છે. કપિલે શો હોસ્ટ કર્યો હતો જ્યારે સિદ્ધુ જજ હતા. કપિલ અને સિદ્ધુની મિત્રતા ઘણી જૂની છે.
સિદ્ધુ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામના સ્ટેન્ડ-અપ કોમેડી શોના પણ જજ હતા, જેનો વિનર કપિલ શર્મા બન્યો હતો. હાલ કપિલના શોમાં જજની ખુરશી અર્ચના પૂરણ સિંહ સંભાળી રહી છે. પુલવામામાં થયેલા હુમલા અંગે નવજોત સિંહ સિદ્ધુએ કરેલી ટિપ્પણી બાદ તેમનો આકરો વિરોધ થયો હતો. લોકોએ તેમને ખૂબ ટ્રોલ કરતાં શોના મેકર્સ પાસે તેમની પાસેથી જજનું પદ છીનવી લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેથી તેમણે સિદ્ધુની જગ્યાએ અર્ચના પૂરણ સિંહને રિપ્લેસ કરવાનું નક્કી કર્યું હતું.