દિવાળીના તહેવાર સમયે બેંકોના ATMમાં રોકડ ખૂટી
અમદાવાદ: નોટબંધીને ૪ વર્ષ પૂરા થયા હોવા છતાં દેશભરની બેંકોમાં હજી પૂરતા પ્રમાણમાં ચલણી નોટો ના હોવાની ફરિયાદ યથાવત્ છે. દિવાળી ટાણે લોકો બેંકમાંથી પૈસા ઉપાડતા હોવાથી ચલણી નોટો ખૂટી પડી છે. શહેરના મોટાભાગના એટીએમ પણ ખાલી થઈ ગયા હોવાથી લોકોને પૈસા ઉપાડવા માટે બે-ત્રણ વખત એટીએમના ધક્કા ખાવા પડી રહ્યા છે. તો બેંકના અધિકારીઓ પોતપોતાના એટીએમ ઝડપથી રીફિલ કરાવી રહ્યા હોવાના દાવા કરી રહ્યા છે. દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. બજારમાં પણ તેજીનો માહોલ છે. ઘણા લાંબા સમયથી નિરાશ થયેલા વેપારીઓમાં રાહત છે.
દિવાળી સમયે સૌ કોઈએ જરૂર મુજબના રૂપિયા બેંકમાંથી ઉપાડવાની શરૂઆત કરી છે. પરિણામે અમદાવાદની લગભગ તમામ બેંકમાં ચલણી નોટો ખૂટી હોવાની વ્યાપક ફરિયાદો થઈ રહી છે. છેલ્લા ચાર વર્ષથી બેંકોમાં ચલણી નોટોની અછત હોવાની ફરિયાદને પગલે કોઈપણ ગ્રાહકે એક લાખ કે તેથી વધુ રૂપિયા ઉપાડવા હોય તો બેંકને અગાઉથી જાણ કરવી તેવી સૂચનાઓ બેંક દ્વારા આપવામાં આવે છે. હવે દિવાળી સમયે લોકોને પોતાના ખાતામાંથી જરૂરી રૂપિયા ઉપાડવામાં પણ તકલીફ પડી રહી છે.
કર્મચારીઓના પગાર બેંક ખાતામાં જમા થતાં લોકોએ દિવાળીની ઉજવણી માટે એટીએમમાંથી રોકડ ઉપાડવાની શરૂઆત કરી દેતાં શહેરના મોટાભાગના એટીએમ ખાલી છે અને એટીએમ ધારકો પરેશાન થઈ રહ્યા છે. વર્ષોથી દિવાળી ટાણે ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ની નવી નોટો બેંકમાંથી લાવી રાખવાનો લોકો આગ્રહ રાખે છે. આ નોટો મુહૂર્તના રૂપિયા આપવા,
શુકનના રૂપિયા આવના માટે ઉપયોગમાં લેવાય છે. ચાલુ વર્ષે બેંકોમાં રોકડની અછત છે. નવી નોટો લેવા માટે બેંકમાં લોકો જાય છે પરંતુ નિરાશ થઈને આવવું પડે છે. બેંકના અધિકારીઓ પણ વધુમાં વધુ નવી નોટો મળે તેવી રજૂઆત કરે છે પરંતુ ન મળતાં ગ્રાહકોનો રોષ સહન કરવો પડે છે.