માતાએ ધરાર લગ્ન કરાવ્યાનું કહી પત્ની પર પતિનો ત્રાસ
અમદાવાદ: લોકડાઉન બાદ ઘરેલુ હિંસા ના બનાવો નો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. નાની નાની બાબતોમાં પરિણીતાને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તેવા અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરમાં દરિયાપુર વિસ્તારમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. દહેજ માટે પરિણીતાને ત્રાસ આપતા તેણે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
દરિયાપુર માં રહેતી પરિણીતનો આરોપ છે કે લગ્ન બાદ તેના સાસરિયા તેને થોડા સમય સુધી સારી રીતે રાખ્યું હતું. બાદ માં નાની નાની બાબતો માં તેની સાથે બોલાચાલી કરતા હતા. એટલું જ નહિ પરિણીતાના પતિ તેના પર ખોટો શક વહેમ રાખીને જણાવતા હતા કે તું મને પસંદ નથી, આતો મારી માતાએ લગ્ન કરાવી દીધા બાકી મારે તારી સાથે લગ્ન કરવા ન હતા.
ઉપરાંત તેના સાસરિયા પિતાના ઘરેથી પૈસા લઈને આવ નહીંતો ઘરમાંથી કાઢી મુકીશું તેવી ધમકી પણ આપતા હતા. પરિણીતાનો આરોપ છે કે જ્યારે તે ગર્ભવતિ હતી ત્યારે તેના પતિએ બાળકના જોઈતું હોવાનુ કહીને અબોર્શન કરવવા પણ દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક જમાનામાં પણ દહેજનું દુષણ પ્રસરેલું છે. ભણેલા ગણેલા લોકો પણ દહેજ માટે પરિણીતા ઉપર અત્યાચાર કરતા અચકાતા નથી. આવા અનેક કિસ્સાઓ છાસવારે પોલીસ ચોપડે નોંધાતા રહે છે. દહેજના કારણે સાસરિયાઓનો એટલો ત્રાસ વધી જતો હોય છે કે ક્યારેક પરિણીતાઓ આત્મહત્યા જેવા ગંભીર પગલાં પણ ભરી દેતી હોય છે.