મોબાઈલ લૂંટી ભાગતા લુંટારૂને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : હાલમાં તસ્કરોનો ત્રાસ શહેરમાં ખુબ જ વધી ગયો છે. રસ્તે જતાં-આવતા રાહદારીઓના ગળામાંથી સોનાના અછોડા તોડી લેવા અથવા મોબાઈલ ફોન છીનવીને ભાગી જવા જેવા બનાવો વારંવાર પ્રકાશમાં આવી રહ્યા છે. આ સ્થિતિ ગઈકાલે જ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોબાઈલ ફોન છીનવીને એક્ટીવા પર ભાગી રહેલા શખ્સોને રાહદારીઓ તથા પેટ્રોલીંગમાં રહેલા પોલીસે ઝડપી પાડ્યા છે.
તુષ્ણા રાજેશભાઈ રાણા નામની યુવતિ આસ્ટોડીયા ખાતે રહે છે. અને ગુલબાઈ ટેકરા નજીક આવેલી એક જ્વેલર્સની દુકાનમાં નોકરી કરે છે. ગઈકાલે સાંજે નોકરી કરીને આશરે સાત વાગ્યાના અરસામાં ચાલતા ચાલતા ગુલબાઈ ટેકરા બીઆરટી એસના બસ સ્ટોપ તરફ જતી હતી ત્યારે એ સમયે મોબાઈલ ફોનમાં કોઈની સાથે વાત કરી રહી હતી.
એ સમયે પાછળથી આવેલા એક એક્ટીવા ઉપર બે શખ્સો તેના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી ગુલબાઈ ટેકરા તરફ એ ભગાવી મુકી હતી. પ્રથમ ડઘાઈ ગયેલી તૃષ્ણાએ બાદમાં બુમાબુમ કરી મુકતા રાહદારીઓનું ધ્યાન તેની તરફ ગયુ હતુ. જેમાંથી કેટલાંક રાહદારીઓ તથા વાહનચાલકોએ ચોરોનો પીછો કર્યો હતો.
આ સમયે ફિલ્મી ઢબે પીછો કરતા બંન્ને ચોરો ચોંકી ઉઠ્યા હતા. અને એક્ટીવા ફૂલ સ્પીડે ભગાવી મુકયા બાદ એક ચોર અક્ટી પરથી નીચે ઉતરીને અન્ય દિશામાં ભાગવા લાગ્યો હતો. જેને મોટર સાયકલ ઉપર પીછો કરી રહેલા ગુજરાત યુનિવર્સિટી પોલીસના ડી સ્ટાફના જવાનોએ એટલાન્ટા ટાવર આગળથી ઝડપી લીધો હતો.
જ્યારે એક્ટીવા ચાલક ચોર ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા ચોરને પોલીસ સ્ટેશને લાવીને પુછપરછ કરતાં તેણે પોતાનું નામ સુનિલ કાંતિલાલ ભીલ (રહે.એકલવ્ય સોસાયટી, શ્યામલ તથા ભાગી છૂટેલા અલ્પેશ વઘોરા (ભુદરપુરા, આંબાવાડી) હોવાનું જણાવ્યુ હતુ.
પોલીસે સુનિલની તપાસ કરતાં તેના ખિસ્સામાંથી તૃષ્ણાનો ફોન મળી આવ્યો હતો. તૃષ્ણાની ચોરીની ફરીયાદ લઈને પોલીસે બંન્ને વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયછેલા છે તે શોધવા કવાયત હાથ ધરી છે.