કોરોના દર્દીઓની સારવારમાં ખાનગી હોસ્પિટલોની લાલિયાવાડી
ટેમ્પરેચર અને ઓક્સીજનની ચકાસણી કરી માત્ર પાંચ દિવસમાં દર્દી ડીસ્ચાર્જ કર્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા )અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોરોના દર્દીઓને તકલીફ ન થાય તે માટે ૭૦ કરતાં વધુ ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે તથા પર્યાપ્ત માત્રામાં મ્યુનિ.ક્વોટાના બેડ ઉપલબ્ધ હોવાના દાવા થઈ રહ્યાં છે. પરંતુ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને આપવામાં આવતી સારવારનાં સ્તર મામલે તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. થોડાં સમય પહેલાં મરણાંક વધુ હોવાનાં કારણો દર્શાવી બોડીલાઈન, તપન સહિત ત્રણ હોસ્પિટલોને ડી-નોટીફાઈ કરવામાં આવી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં જ આ હોસ્પિટલોમાં ફરીથી દર્દી રીફર કરવામાં આવ્યા હતાં.
ખાનગી હોસ્પિટલો દ્વારા મ્યુનિ.ક્વોટાના દર્દીઓનું કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. તથા માત્ર નાણાં કમાવવાના ઉદ્દેશથી જ મનપા સાથે કરાર કરવામાં આવે છે. ચોંકાવનારી બાબત એ છે કે, કોરોના દર્દીને માત્ર ૫ાંચ દિવસમાં જ રજા આપવામાં આવે છે. જેમાં આઈ.સી.એમ.આર.ની ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમ છતાં મ્યુનિ.આરોગ્ય ખાતાનાં કેટલાંક અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં હોવાનાં ગંભીર આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યાં છે.
ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તથા અગ્રણી નેતા ડો.અમિત નાયકએ ખાનગી હોસ્પિટલોમાં ચાલી રહેલાં ભ્રષ્ટાચાર અને દર્દીઓની જીંદગી સાથે થઈ રહેલાં ચેડાં અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવે છે તથા દર્દીની સારવારનો તમામ ખર્ચ ચૂકવવામાં આવે છે. પરંતુ દર્દીની સારવાર મામલે ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. મ્યુનિ.ક્વોટાનાં બેડ પર દાખલ થતાં દર્દીઓની માત્ર પાંચ-સાત દિવસમાં જ રજા આપવામાં આવે છે.
કોરોના દર્દીને ડીસ્ચાર્જ કરતાં સમયે માત્ર ટેમ્પરેચર અને ઓક્સીજનની તપાસ કરવામાં આવે છે. જે નોર્મલ હોય તો દર્દીને ઘરે મોકલી આપવામાં આવે છે. નોંધીનીય બાબત એ છે કે, મ્યુનિ.કોર્પાેરેશનની એસવીપી હોસ્પિટલમાં દર્દીને ડીસ્ચાર્જ કરતાં પહેલાં એક્સ-રે અને સ્ક્રીનીંગ કરવામાં આવે છે. તેમાં રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ જ દર્દીને રજા આપવામાં આવે છે. આઈ.સી.એમ.આર.ની ગાઈડલાઈનમાં પણ એક્સ-રે અને સ્ક્રીનીંગ કરવા ફરજિયાત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
મ્યુનિ.કોર્પાેરેશનની હોસ્પિટલમાં આ નિયમનો અમલ થાય છે. પરંતુ મ્યુનિ.કોર્પાેરેશનના પેમેન્ટથી સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં આઈ.સી.એમ.આર.ની ગાઈડલાઈનના લીરા ઉડી રહ્યા છે. તેમ છતાં જે તે ઝોનના ડે.હેલ્થ ઓફીસરો ધ્યાન આપતા નથી. સામાન્ય રીતે કોરોના દર્દીના શરીરમાં દસ દિવસ સુધી વાયરસ જીવિત હોય છે. તેથી ખાનગી હોસ્પિટલો દ્વારા પાંચ દિવસમાં જ રજા આપવામાં આવતા દર્દી “જીવતા જ્વાળામુખી” સમાન બની રહે છે. તદુપરાંત દર્દીની પરિસ્થિતિ પણ ગંભીર થવાની શક્યતા રહે છે.
શહેરના નિકોલ વિસ્તારના મુકુંદભાઈ નાયક (ઉં.વ.૬૦) ગત ૭ નવેમ્બરે કોરોના સંક્રમિત જાહેર થયા હતા તથા તે જ દિવસે નરોડાની સેલ્બી હોસ્પિટલમાં મ્યુનિ.ક્વોટાના બેડમાં દાખલ થયા હતા. મુકુંદભાઈ નાયક ડાયાબીટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી છે. રજા આપવામાં આવી તે સમયે બ્લડ સુગર ૪૦૦ કરતા વધુ હતી. તથા બ્લડ પ્રેશર ૧૭૦ હતુ. તદુપરાંત તેમનું વજન ૯૦ કિ.ગ્રા.છે. આમ, ઉંમર, કો-મોલીડ તથા ઓબેસીટી હોવા છતાં શેલ્બી હોસ્પિટલ દ્વારા તેમને માત્ર પાંચ દિવસ બાદ રજા આપવામાં આવી છે. ડીસ્ચાર્જ કરતા સમયે તેમના ટેમ્પરેચર અને ઓક્સીજન લેવલની ચકાસણી કરવામાં આવી હતી.
પરંતુ એક્સ રે કે સ્ક્રીનીંગ કરવામાં આવ્યા ન હતા. પૂર્વ ઝોનના ડે.હેલ્થ ઓફીસર ડો.અશ્વિન ખરાડીને આ મામલે ફરીયાદ કરવામાં આવતાં તેમણે શેલ્બી હોસ્પિટલના તબીબોનો નિર્ણય બરાબર હોવાનું સાબિત કરવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ એક્સ-રે સ્ક્રીનીંગ કેમ કરવામાં આવ્યા નથી ? તે અંગે હોસ્પિટલ સત્તાવાળાને પૂછવાની નૈતિક હિંમત દાખવી ન હતી. કોરોના દર્દીને ડીસ્ચાર્જ કરતાં સમયે મનપા દ્વારા જ જે તે હોસ્પિટલમાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે તો અનેક લોકો સંક્રમિત થતા બચી શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.