ખાડીયા પોલીસે ફરાર બંને આરોપીને ઝડપી તોડનાં ૧ લાખ કબ્જે કર્યા
(પ્રતિનિધિ)અમદાવાદ, ખાડીયા વિસ્તારમાં અગાઉ દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાને નકલી પોલીસ બની ધમકીઓ આપવાનાં કેસમાં પોલીસે એક મહિલા અને એક પુરૂષ સહિતનાં બંને ફરાર આરોપીઓને ઝડપી લઈને તોડ પેટે મેળવેલાં રૂપિયા એક લાખ પરત મેળવ્યા છે. ઉપરાંત પોલીસનાં યુનિફોર્મ પણ કબ્જે કર્યા છે.
ખાડીયા નકલી પોલીસ બનીને તોડ કરવાનાં પ્રકરણમાં પ્રીતી નામની મહિલાએ અગાઉ પણ મહિલાનો એક લાખ રૂપિયાનો તોડ કરવાનો ઘટસ્ફોટ થતાં ખાડીયા પોલીસે પ્રીતી સાથે સંડોવાયેલાં ચેતન ઉર્ફે ચેતો દલસુખ પરમાર અને મીના સાહીલભાઈ ગોહીલની સઘન શોધખોળ હાથ ધરીને બંનેની ધરપકડ કરી હતી. પ્રીતી સહિત ત્રણેયની તપાસ કરતાં પોલીસે તોડ પેટે મેળવેલાં રૂપિયા એક લાખ પણ કબ્જે કર્યા હતા. ઉપરાંત આરોપીઓએ ગુના દરમિયાન વાપરેલો પોલીસનો ડ્રેસ પણ જપ્ત કર્યાે છે. પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ કરી આવાં બીજા કોઈ ગુના કર્યા છે ? પોલીસનો ડ્રેસ ક્યાંથી લાવ્યો જેવાં પ્રશ્નોનાં ઉત્તર મેળવવાની દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે.