શાહીબાગ વોર્ડમાં કોરોનાના ૩૧૯૮ કેસઃ સાડા પાંચ મહિનામાં ૧૫ ગણા કેસ વધ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં નોંધાયો હતો. માર્ચ મહિનામાં કન્ફર્મ થયેલા પ્રથમ કેસ બાદ એપ્રિલ અને મે મહિનામાં કોરોના વિસ્ફોટ થયો હતો. ખાસ કરીને કોટ વિસ્તારમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો. તથા એક સમયે જમાલપુર વોર્ડનો મૃત્યુદર ૧૨ ટકા જેટલો થઈ ગયો હતો. જે દેશભરમાં સૌથી વધુ હતો. જાેકે, મ્યુનિ.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત કરવામાં આવેલી કાર્યવાહીના પરીણામે મધ્ય ઝોનમાં કેસની સંખ્યા ઓછી થવા લાગી હતી તથા પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં કોરોના સંક્રમણ વધ્યા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી મધ્ય ઝોનમાં પણ કેસ વધી રહ્યા છે તથા શહેરના કુલ કેસના લગભગ ૨૭ ટકા કેસ માત્ર મધ્ય ઝોનમાં કન્ફર્મ થયા છે. જાેકે, એપ્રિલ અને મે મહિનાની સરખામણીમાં મૃત્યુદર ઓછો થયો છે. જ્યારે શાહીબાગ વોર્ડમાં કેસની સંખ્યા ત્રણ હજારને પાર કરી ગઈ છે.
કોરોનાના હોટસ્પોટ માનવામાં આવતા મધ્ય ઝોનમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. તથા કોટ વિસ્તારમાં કુલ કેસની સંખ્યા ૧૧૦૪૯ થઈ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ ૪૧૫૨૦ કેસ નોંધાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે એપ્રિલ અને મે મહિના દરમ્યાન કોટ વિસ્તારના શાહીબાગ વોર્ડમાં સૌથી ઓછા કેસ નોંધાયા હતા તથા તેનો “રેડ ઝોન”માં પણ સમાવેશ કરવામાં આવ્યો નહતો. પરંતુ ૧૧ નવેમ્બરની પરિસ્થિતિ મુજબ શાહીબાગ વોર્ડમાં કોરોનાના કેસની ત્રણ હજારને પાર કરી ગઈ છે. શાહીબાગ વોર્ડમાં કુલ ૩૧૯૮ કેસ નોંધાયા છે. જે કદાચ અમદાવાદમાં સૌથી વધુ હોઈ શકે છે. જ્યારે દેશમાં સૌથી વધુ મૃત્યુદર જે વોર્ડમાં નોંધાયો હતો તે જમાલપુરમાં કેસ અને મૃત્યુની સંખ્યા લગભગ સ્થિર થઈ છે. ૨૭ મેની પરિસ્થિતિ મુજબ જમાલપુર વોર્ડમાં કોરોનાના ૯૪૫ કેસ અને ૧૩૩ મરણ નોંધાયા હતા. જ્યારે ૧૧ નવેમ્બરે જમાલપુરમાં કોરોનાના ૧૮૨૭ કેસ અને ૧૩૫ મરણ થયાં છે.
આમ, છેલ્લા ૧૬૮ દિવસ દરમ્યાન જમાલપુરમાં માત્ર બે મૃત્યુ કોરોનાના કારણે થયા છે. જ્યારે ૧૬૮ દિવસમાં ૮૭૯ કેસ નોંધાયા છે. જેની દૈનિક સરેરાશ માત્ર પાંચ કેસ રહે છે. જ્યારે ૨૭ મેના પ્રાપ્ત આંકડા મુજબ શાહીબાગ વોર્ડમાં ૨૧૬ કેસ અને ૦૮ મૃત્યુ નોંધાયા હતા. જેની સામે ૧૧ નવેમ્બરે ૩૧૯૮ કેસ અને ૨૦ મૃત્યુ થયા છે. આમ, ૧૬૮ દિવસના સમયગાળાા દરમ્યાન શાહીબાગ વોર્ડમાં કોરોનાથી ૧૨ વ્યક્તિના મૃત્યુ થયાં છે. પરંતુ તેની સામે ૨૯૮૨ કેસ વધ્યાં છએ. જેની દૈનિક સરેરાશ ૧૮ કેસ થાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસથી દૈનિક ૧૭૦-૧૮૦ કેસ નોંધાય છે તે જાેતા શહેરના દસ ટકા કેસ માત્ર શાહીબાગ વોર્ડમાંથી જ બહાર આવી રહ્યા છે. શાહીબાગની જેમ ખાડીયા વોર્ડમાં સ્થિતિ વિકટ બની રહી છે.
૨૭મેના આંકડા મુજબ ખાડીયા વોર્ડમાં ૭૪૯ કેસ અને ૪૫ મરણ થયા હતા. જેની સામે ૧૧ નવેમ્બરે ૨૩૧૫ કેસ અને ૭૫ મરણ થયા છે. ખાડીયા વોર્ડમાં મરણ અને કેસ બંને વધ્યા છે. તથા ૧૬૮ દિવસ દરમ્યાન કેસમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. શાહપુરમાં પણ સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. ૨૭મેની માહિતી મુજબ શાહપુર વોર્ડમાં ૩૮૬ કેસ અને ૧૬ મરણ થયા હતા. જ્યારે ૧૧ નવેમ્બરે ૧૫૦૭ કેસ અને ૩૯ કેસ કન્ફર્મ થયા છે. આમ, શાહપુર વોર્ડમાં આ જ સમયગાળા દરમ્યાન કેસમાં લગભગ ૪૦૦ ગણો વધારો થયો છે. જ્યારે કોટ વિસ્તારમાં ૧૬૮ દિવસ દરમ્યાન કોરોના કેસમાં ૩૫૦ ટકાનો વધારો થયો છે.
મધ્ય ઝોનમાં શરૂ થયેલ કોરોના કહેરમાં વધી રહેલા ટેસ્ટીંગને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ખાડીયા, પાંચકુવા, માધુપુરા, શાહીબાગ વિસ્તારના માર્કેટમાં મોટાપાયે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે ટેસ્ટ કીઓસ્કમાં પણ ટેસ્ટ થઈ રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા સુપર સ્પ્રેડરના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા બાદ પણ કેસની સંખ્યા વધી રહી છે. જ્યારે ભદ્ર પાથરણા બજાર, ઢાલગરવાડ અને પાનકોરનાકા પાથરણા બજારમાં સોશ્યલ ડિસ્ટન્સના પાલન થતા નથી તેમજ ફેરીયાઓ ટેસ્ટ કરવાથી દૂર રહેતા હોવાના કારણે તેમાં “સાઈલેન્ટ સ્પ્રેડર” હોવાનું પણ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.