પાવર ફાઇનાન્સ કોર્પોરેશનનો ચોખ્ખો નફો 80 ટકા વધીને રૂ. 2,085 કરોડ થયો
30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે -Power Finance Corporation net profit rises 80% to Rs 2085 crore for the Q2 FY2020-21
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં ભારતની અગ્રણી સરકાર માલિકીની અને વીજ ક્ષેત્ર પર કેન્દ્રિત એનબીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (પીએફસી)નો ચોખ્ખો નફો સ્વતંત્ર ધોરણે 80 ટકા વધીને રૂ. 2085 કરોડ થયો છે અને લોન એસેટ્સમાં 14 ટકાની વૃદ્ધિ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2019-20ના સમાન ગાળાની સરખામણીમાં છે. કુલ આવક 15 ટકા વધીને રૂ. 9,232 કરોડ થઈ હતી.
આ પરિણામો પર ટિપ્પણી કરતાં પીએફસીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આર એસ ધિલ્લોને કહ્યું હતું કે, “કોવિડ રોગચાળાને કારણે મુશ્કેલ આર્થિક સ્થિતિસંજોગો હોવા છતાં પીએફસી માટે ત્રિમાસિક ગાળાની કામગીરી સ્થિર જળવાઈ રહી છે. જ્યારે અમે બીજા ત્રિમાસિક ગાળામાં વ્યાજની આવકમાં 40 ટકાની વૃદ્ધિ કરી છે, ત્યારે આ ગાળામાં અમારો (સ્વતંત્ર ધોરણે) ચોખ્ખો નફો 80 ટકા સુધી વધ્યો છે.”
ત્રિમાસિક ગાળા દરમિયાન મંજૂર થયેલી લોન એક વર્ષ અગાઉના સમાન ગાળાની સરખામણીમાં 64 ટકા વધીને રૂ. 50,119 કરોડ થઈ છે. આ ગાળામાં રૂ. 28,826 કરોડની લોન વહેંચવામાં આવી હતી, જ્યારે વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 18,366 કરોડની વહેંચણી થઈ હતી. સંગઠિત ધોરણે પણ ગ્રૂપે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન સારી કામગીરી કરી છે.
પીએફસી ગ્રૂપે કરવેરાની ચુકવણી પછીનો ચોખ્ખો નફો રૂ. 4,290 કરોડ કર્યો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,497 કરોડ હતો. 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે કુલ સંગઠિત આવક રૂ. 18,171 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ગાળાની કુલ આવક રૂ. 15,538 કરોડથી 17 ટકા વધારે હતી.
ચાલુ રોગચાળા વચ્ચે પીએફસી વીજ ક્ષેત્રમાં અગ્રણી ધિરાણકાર તરીકે એની પોઝિશનનો ઉપયોગ કરીને મજબૂત કામગીરી દર્શાવવા સક્ષમ બની છે.