Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનને અન્નકૂટોત્સવ ધરાવવામાં આવ્યો

ઓનલાઈન તેની ઉજવણી કરવામાં આવી હતી.  કુમકુમ મંદિર દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

તા. ૧૫ – ૧૧ – ૨૦ર0 ને રવિવારે સવારે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ મહા અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત સદગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ અન્નકૂટ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના વાયરસના કારણે ઓનલાઈન અન્નકૂટની ઉજવણી કરવામાં આવી હતી. અન્નકૂટમાં ભગવાનને વિવિધ પકવાન, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ફ્રુટ ધરાવવામાં આવ્યા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘરનો ત્યાગ કરી નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરી લોજમાં આવ્યા ત્યારબાદ તેમણે સંવત્‌ ૧૮૫૭ માં કારતર સુદ-૧ ના રોજ પ્રથમ વાર તેમના ગુરુ રામાનંદસ્વામીનું માંગરોળ મુકામે સદાવ્રત ચાલતું હતું ત્યાં સૌ પ્રથમ અન્નકૂટોત્સવ કર્યો હતો.ત્યાર થી સ્વામિનારાયણ સંપ્રદાયમાં
અન્નકુટોત્સવ ઉજવાય છે.શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢપુર આદિ અનેક સ્થળોએ અન્નકૂટોત્સવ કરેલા છે એ પરંપરા અનુસાર અન્નકૂટોત્સવ સ્વામિનારાયણ મંદિરોમાં કરવામાં આવેલા છે. કુમકુમ મંદિર દ્રારા છેલ્લા ૩૫ વર્ષથી અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ભાગવત્‌ પુરાણ પ્રમાણે આશરે પાંચ હજાર વર્ષ પૂર્વ ગોકુળમાં નૂતન વર્ષથી અન્નકૂટોત્સવનો પ્રારંભ થયો છે. શ્રીનંદરાયજી એમ માનતા હતા કે ઈન્દ્ર વરસાદનો રાજા છે તેથી તે દર વર્ષે વરસાદ વરસાવે અને આપણું ભરણપોષણ કરે છે. આથી તેઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે યજ્ઞ કરીને ઈન્દ્રની પૂજા કરતા હતા. પરંતુ કૃષ્ણને આ યોગ્ય લાગ્યું નહી. તેથી નંદબાવાને સમજાવીને કહ્યું કે આપણા દેવતા તો ગોવર્ધન છે માટે આપણે તેમની પૂજા કરવી જોઈએ. ક્નૈયાની વાત નંદબાવાને ગળે ઉતરી ગઈ એટલે સૌએ નવા વર્ષે કારતક સુદ – એકમના દિવસે બધા ગોવાળીયાઓએ ભેગા થઈને ગિરીરાજ ગોવર્ધન ઉપર જળ તથા દૂધનો અભિષેક કરી પૂજન – અર્ચન કરી આરતી ઉતારી. ત્યારબાદ બધા પોત – પોતાના ઘેરથી થાળ માટે જે – જે લાવ્યા હતા તે ત્યાં ધરાવ્યું. તેનો જે ઢગલો થયો તેનું નામ અન્નકૂટ. સૌના દેખતા ગોવર્ધને થાળ પણ અંગીકાર કર્યો ને બધાને પ્રત્યક્ષ દર્શન થયું.

ત્યારબાદ પ્રસાદ વ્હેંયાયો અને સૌએ આનંદ કિલ્લોલ કર્યો. આમ, સાત વર્ષના ક્નૈયાએ દર વર્ષે થતો ઈન્દ્રયાગ બંધ કરાવીને ગોવર્ધનની પૂજા કરીને કાયમ માટે અન્નકૂટોત્સવનો પ્રારંભ કરાવ્યો. હવે થી દર વર્ષે આ રીતે અન્નકૂટોત્સવ – ગોવર્ધનોત્સવ કરજો. જેનાથી તમને મોટું ઐશ્વર્ય અને સુખ નિરંતર મળશે. ગાયોનું કલ્યાણ થશે અને બધા સુખી થશે. સર્વે ને પુત્ર – પૌત્રાદિકની પ્રાપ્તિ થશે.ત્યારથી હિન્દુ ધર્મમાં અન્નકૂટોત્સવનો પ્રારંભ થયો છે અને તે આજ દિન સુધી ચાલુ છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.