ખંભાત નગરની પૂરાતન જાહોજલાલી અદ્યતન વિકાસ કામોથી પૂન: પ્રસ્થાપિત કરાશે
અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ બેય ક્ષેત્રોમાં સિટીઝન સેન્ટ્રીક વ્યવસ્થાઓના વ્યાપથી ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ છે:- મુખ્યમંત્રીશ્રી
કોરોના સંક્રમણ કાળમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા અટકી નથી –રૂ. ૧૩ હજાર કરોડથી વધુના જનહિત વિકાસ કામો આ સરકારે કર્યા છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મધ્ય ગુજરાતના ખંભાત નગરમાં દિપાવલી પર્વની ભેટ રૂપે રૂ. ૧ર કરોડના વિવિધ નગર વિકાસ કામોના ઇ-લોકાર્પણ ખાતમૂર્હત કરતાં રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ બેય ક્ષેત્રોમાં સિટીઝન સેન્ટ્રીક વ્યવસ્થાઓનો વ્યાપ વિસ્તારી ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, આપણે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે કાર્યરત રહીને નગરો-શહેરો આધુનિક બને, સ્માર્ટ સિટીઝ બને અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ અગ્રેસરતા પ્રસ્થાપિત કરે તેવા આયોજનબદ્ધ વિકાસ કામો ઉપાડયા છે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના નાના ગામ-નગરોથી માંડી શહેરી જનજીવનમાં લોકોને સુખાકારી મળે તે માટે રસ્તા, ગટર, લાઇટ, પાણી ઉપરાંત આગવી ઓળખના કામો, મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાના કામો સહિત કોઇ કામ પૈસાના અભાવે અટકે નહિ તે સુનિશ્ચિત કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે વિકાસના રોલ મોડેલ તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અનેક વિકાસ કામોથી સ્થાન મેળવ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, કોરોના સંક્રમણના આ કપરા કાળમાં પણ રૂ. ૧ર હજારથી વધુ કરોડના વિકાસ કામો પ્રજાને ચરણે ધર્યા છે. વિકાસની ગતિ આપણે અટકવા દીધી નથી. તાજેતરમાં જ પ્રધાનમંત્રીશ્રીએ ગિરનાર રોપ-વે, એશિયાની મોટી કાર્ડીયાક હોસ્પિટલ, રો-રો ફેરી સર્વિસ, કિસાન સૂર્યોદય યોજના અને આજે દિવાળીની ભેટ રૂપે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને નેશનલ ઇમ્પોર્ટન્સ ઇન્સ્ટીટયુટ એવા અનેક વિકાસ કામોની વણઝાર આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ ખંભાત નગરમાં પણ વિકાસ કામોની શૃંખલા ચાલુ રાખવાની નેમ દર્શાવતાં આવનારા દિવસોમાં ખંભાતને GIDC આપવાની પણ મનસા વ્યકત કરી હતી.
તેમણે કહ્યું કે, નગરો-ગામોમાં નલ સે જલ, ઘર-ઘર શૌચાલય, ગેસના ચૂલા આપીને રસોડામાં ધૂમાડા મુકિત જેવા સામુદાયિક વિકાસ કામોથી ગુજરાતમાં લોકોની સુખાકારી વધારી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધી અને સરદાર સાહેબના ગુજરાતમાં સુરક્ષા, શાંતિ, સલામતિ પણ જળવાઇ રહે તે માટે સરકારે ગુંડાગર્દી વિરોધી કાનૂન, ગૌહત્યા કરનારા, દારૂની પ્રવૃત્તિ કરનારા કે ચેન સ્નેચીંગ કરનારા સહિતના અસામાજીક તત્વો સામે સખ્તાઇથી પેશ આવતા કાયદાઓના ચુસ્ત અમલમાં પણ ગુજરાત અગ્રીમ છે તેમ જણાવ્યું હતું.
તેમણે ખંભાતની જૈનતીર્થ ક્ષેત્ર તરીકેની પૂરાતન જાહોજલાલી પૂન: પ્રસ્થાપિત થાય તે માટે નગરપાલિકાને આ વિકાસ કામો સહિત વધુને વધુ જનહિત કાર્યોને વેગવંતા બનાવવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરો-ગામોમાં હવે ઇન્ટરનેટ સુવિધા સાથે ડિજિટલ સેવાસેતુના માધ્યમથી લોકોને ઘર આંગણે જ વિવિધ પ્રમાણપત્રો, દાખલાઓ ફેઇસ લેશ મળી જાય છે તેની પણ ભૂમિકા સમજાવી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ દિપાવલીના પર્વોમાં નાગરિકોને તહેવારો-ઉત્સવો ઉમંગથી ઉજવવા સાથે કોરોના સંક્રમણ સામે પણ સાવચેત રહેવા ખાસ અનુગ્રહ કર્યો હતો.
આ ઇ-લોકાર્પણ-ખાતમુર્હત સમારોહમાં આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, ખંભાતના વિધાયક શ્રી મયુરભાઇ રાવલ, નગરપાલિકા પ્રમુખ શ્રી યોગેશ ઉપાધ્યાય, ભાજપા પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ તેમજ નગરસેવકો, જિલ્લા કલેકટર વગેરે જોડાયા હતા.