હરિયાણાની સ્કૂલોમાં 38 બાળકો કોરોના પોઝિટિવ
મંગળવારના દિવસે જ હરિયાણા રાજ્યમાં 38 બાળક પોઝિટિવ નોંધાયાં છે. તેમાં રેવાડીમાં સૌથી વધુ 19 બાળક પોઝિટિવ નોંધાયાં છે. અન્ય જિલ્લાની સ્કૂલોમાંથી પણ બાળકોના કોરોનાના રેપિડ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોહતકના ગામ રુડકીમાં એક સ્કૂલમાં 33 બાળકનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે.
હરિયાણામાં ગુડગાંવ પહેલો એવો જિલ્લો છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર થઈ ગઈ છે. મંગળવારે અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 40,535 થઈ છે. છેલ્લા 10 દિવસમાં ફરીદાબાદમાં એક્ટિવ કેસ વધ્યા છે, જ્યારે કૈથલ અને પલવલમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં માસ્ક ન પહેરેલા 65 હજાર લોકો પાસેથી દંડ લેવામાં આવ્યો છે. તેમાં અત્યારસુધી 3.05 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. અહીં માસ્ક ન પહેરવા પર રૂ. 500થી વધુનો દંડ કરવામાં આવે છે.
જૂનના પહેલા સપ્તાહમાં 16 નવેમ્બર સુધીમાં અંદાજે 4.36 લાખ લોકોના ચલણ કાપવામાં આવ્યા હતા. તેમાં કુલ 21.78 કરોડનો દંડ ભેગો કરવામાં આવ્યો હતો, એટલે કે રોજના સરેરાશ રૂ. 10 લાખ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે.
અત્યારસુધી 598 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 472 સામે એફઆઈઆર કરવામાં આવી છે. એડીજીપી લો એન્ડ ઓર્ડર નવદીપ વિર્કનું કહેવું છે કે પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે ઘરેથી માસ્ક પહેરીને જ નીકળો.