ગ્રાહકોએ ૨૪ કલાકમાં ૧૦ કરોડ રૂપિયા ઉપાડી લીધા
મુંબઈ: નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી લક્ષ્મી વિલાસ બેંકની શાખાઓ પર આજે ડિપોઝિટર્સની ભીડ ઉમટી પડી. છેલ્લા ૨૪ કલાકમાં બેંકમાંથી ૧૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડવામાં આવી છે. આરબીઆઈએ મંગળવારે આ બેંકને એક મહિનાના મોરાટોરિયમ પર મૂકી દીધી હતી. આ ઉપાડ આરબીઆઈના આદેશ પછી તરત જ શરૂ થઈ ગઈ હતી. બેંકના એડમિનિસ્ટ્રટર ટી એન મનોહરને આજે આ જાણકારી આપી. મનોહરને પત્રકારોને જણાવ્યું કે, બેંકની શાખાઓમાં ભારે દબાણ છે અને લોકો રૂપિયા ઉપાડી રહ્યા છે.
અફવાના કારણે ગ્રાહક રૂપિયા ઉપાડી રહ્યા છે. તેમણે કહ્યું કે, બેંકની શાખાઓમાં રૂપિયા ઉપાડવા ભીડ વધી શકે છે અને દબાણ વધી શકે છે. તેને જોતા બેંક સીનિયર સિટીઝન્સ, મહિલાઓ, દિવ્યાંગ વગેરે ગ્રાહકો માટે અલગથી સ્પેશિયલ કાઉન્ટર બનાવવાનું વિચારી રહી છે. આરબીઆઈએ બેંકના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા ૨૫ હજાર રૂપિયા સુધીની નક્કી કરી છે. ઈમર્જન્સીની સ્થિતિમાં ૫ લાખ રૂપિયા ઉપાડી શકાય છે. સારવાર, લગ્ન, શિક્ષણ વગેરે માટે આ રકમ ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે ગ્રાહકે પુરાવા આપવાના રહેશે.
મનોહરને કહ્યું કે, આરબીઆઈનું મોરેટોરિયમ ૩૦ દિવસનું છે અને અમને વિશ્વાસ છે કે, અમે ત્યાં સુધીમાં સમાધાન સુધી પહોંચી જઈશું. ડીબીએસએ તેના માટે પ્રોસેસ શરૂ કરી દીધી છે અને તે ૨,૫૦૦ કરોડ રૂપિયાનું પ્રાથમિક રોકાણ કરશે. તમિળનાડુની ૯ વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેંકના કુલ ૪,૧૦૦ કર્મચારી છે અને ૫૬૩ શાખાઓ છે. તેની કુલ જમા રાશિ ૨૦ હજાર કરોડ રૂપિયા છે, જ્યારે ૧૭ હજાર કરોડની ઉધારી છે.
બેંકને નાણાંકીય વર્ષ ૨૦૨૦ના પહેલા ક્વાર્ટરમાં ૧૧૨ કરોડની ખોટ થઈ હતી. બેંક છેલ્લા ૧૫ મહિનાથી આરબીઆઈના પ્રામ્પ્ટ કરેક્ટિવએક્શન (પીસીએ) અંતર્ગત છે. બેંકનો શેર બુધવારે ૨૦ ટકા ઘટીને ૧૨.૪૦ રૂપિયા પર આવી ગયો. જૂનમાં તે ૨૫ રૂપિયા પર હતો. ત્યારથી તેમાં ૫૦ ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે.