અભિનેતા શાહરુખ ખાને પઠાનનું શૂટિંગ શરુ કર્યું
મુંબઈ: જે પળની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. તે પળ હવે સામે આવી ચૂકી છે. આખરે બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’નું શૂટિંગ શરુ કર્યું છે. સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શૅર થઈ રહી છે. જે જોઈને ફેન્સ ભાવુક થઈ રહ્યાં છે. નોંધનીય છે કે, શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ ૨૦૧૮માં રીલિઝ થઈ હતી. જેમાં તેની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. હવે લાંબા સમય પછી તે મોટા પડદે કમબેક કરી રહ્યો છે. બોલિવૂડ ફિલ્મ્સના બાદશાહ શાહરુખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’નું શૂટિંગ બુધવારથી શરુ કર્યુ છે.
જોકે, યશરાજ ફિલ્મ્સે હજુ સુધી આ બાબતની કોઈ ઓફિશ્યિલ જાહેરાત કરી નથી અને ન તો શાહરુખ તરફથી કોઈ નિવેદન આવ્યું છે પરંતુ હિંદી ફિલ્મ્સના આ બન્ને દિગ્ગજોએ સાથે મળીને કામ શરુ કર્યું હોવાના રિપોર્ટ છે. શાહરુખ ખાન અંધેરી સ્થિત યશરાજના સ્ટૂડિયોમાં ક્લિક થયો હતો. પઠાનની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. એક ચર્ચા અનુસાર આ ફિલ્મમાં સલમાન ખાનનો પણ કેમિયો જોવા મળશે. શાહરુખની આ ફિલ્મ મેગાબજેટ હશે તેવી ચર્ચા છે.
આ ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યાં છે. જે આ પહેલા ‘વૉર’ જેવી ફિલ્મનું ડિરેક્શન કરી ચૂક્યા છે. કિંગ ખાનની આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ક્રેઝ છવાયેલો છે. ફેન્સ આ ફિલ્મને આવતા વર્ષની સૌથી મોટી ફિલ્મ માની રહ્યાં છે તેમજ શાહરુખ ખાન પણ બે વર્ષ પછી કેમેરા સામે પોતાની એક્ટિંગનો જલવો બતાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મની અટકળો લાંબા સમયથી લગાવવામાં આવી રહી હતી પરંતુ હવે ફાઈનલી શૂટિંગ શરુ થતાં ફેન્સની ખુશીનો કોઈ પાર નથી.