ઝઘડિયાની સાઈ કૃપા સોસાયટીમાં દિવાળીની રાતે જ તસ્કરોએ ઘરેણાં તથા રોકડનો હાથ ફેરો કર્યો
સોના – ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા મળી એક લાખ થી વધુની મત્તાની તસ્કરો ચોરી કરી ગયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા ગામમાં રિલાયન્સ પંપ ની બાજુમાં આવેલ સાઈ કૃપા સોસાયટીમાં રહેતા સુરેશ ભાઈ નરસિંહભાઈ પરમાર એક ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.દિવાળીના તહેવારની સાંજે તેઓ તેમના ઘરે તાળું મારી તેમના ગામ વાસણા ખાતે ગયા હતા.ત્યાર બાદ બીજા દિવસે વહેલી સવારે તેઓ ઘરે પરત ફર્યા હતા.ત્યારે તેમના ઘરના દરવાજા ની ગ્રીલ કોઈ સાધન વડે વાળી ઘરના લાકડાના દરવાજાનું પાટિયું નીચેથી તોડી ચોર ઈસમો ઘરમાં પ્રવેશ કર્યો હતો.
સુરેશભાઈએ ઘરમાં જોતા તેમના તિજોરીનો દરવાજો તોડી સોના – ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ચોરી ગયાનું જણાયું હતું.ચોરો દ્વારા ત્રણ જોડ ચાંદીના સાંકળા,૧ નંગ ચાંદીની લકી,ચાંદીના બે નંગ સિક્કા,ચાંદીનું ૧ મંગળસૂત્ર, ચાંદીનો ઝૂડો,ચાંદીની વીંટી તથા સોનાની વીંટી નંગ પાંચ સોનાની જુમર એક જોડ,સોનાની જડ નંગ-૪ તથા રોકડા રૂપિયા ૮૦૦૦ મળી ૧,૦૧,૩૦૦ ની મત્તાની ચોરી ગયા હોવાનું જણાતા સુરેશભાઈએ ચોરીની ઘટના બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઝઘડિયા પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લઈ ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.