ગોલ્ડના પ્રતિ 10 ગ્રામના ભાવ વધી રૂપિયા 65000-67000 પહોંચશે?
વર્તમાન દિવાળીમાં ગોલ્ડમાં ચળકાટ જોવા મળી રહ્યો છે ત્યારે, મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ દ્વારા ગોલ્ડ નીચામાં જો રૂપિયા 49500-48500ની સપાટી સુધી જાય તો તે ભાવે ખરીદી કરતા રહેવાની ભલામણ કરી છે. ખરીદી કરવા માટે આ એક સારી રેન્જ છે કારણ કે ટૂંકા ગાળે તેમાં રૂપિયા 52000થી રૂપિયા 53000નો ભાવ મળી શકે છે. કોમેકસ ગોલ્ડ પ્રતિ ઔંસ 1880 ડોલરથી 1840 ડોલરની આસપાસ સ્તર રચે તેવી શકયતા છે.
જ્યારે સુધારો 1940 ડોલરથી 1975 ડોલર સુધી મર્યાદિત જોવાઈ રહ્યો છે. લાંબા ગાળાની દ્રષ્ટિએ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ કોમેકસ પર ગોલ્ડમાં 2500 ડોલરના પોતાના ટાર્ગેટને જાળવી રાખે જે ઘરઆંગણે દસ ગ્રામના રૂપિયા 65000થી રૂપિયા 67000ની સપાટી થવા જાય છે.
દિવાળીની મોસમમાં ગોલ્ડની કામગીરી
છેલ્લા એક દાયકામાં ભારતમાં ગોલ્ડ પર 159 ટકા વળતર છૂટયું છે. આની સામે ઈક્વિટીસમાં આજ ગાળામાં ડાઉ જોન્સે 154 ટકા જ્યારે ભારતની નિફટી50 પર 93 ટકા વળતર છૂટયું છે. આમ ગોલ્ડે શ્રેષ્ઠ કામગીરી દર્શાવી છે અને ફુગાવા તથા રૂપિયાના ઘસારા સામે ગોલ્ડ સૌથી વધુ રક્ષણ પૂરું પાડે છે તેવી દલીલને નકારી શકાય એમ નથી. વર્તમાન વર્ષમાં ગોલ્ડે વાર્ષિક ધોરણે સારી કામગીરી દર્શાવી છે. અમુક ગાળાને બાદ કરીએ તો વર્તમાન વર્ષમાં ગોલ્ડે રોકાણકારોને નિરાશ કર્યા નથી.
કેન્દ્રીય બેન્કોની નીતિ તથા ગોલ્ડ માટે માગ અને પૂરવઠાની સ્થિતિ
મંદ અર્થતંત્રને ટેકો પૂરો પાડવા કેન્દ્રીય બેન્કોએ વ્યાજ દરમાં ઘટાડા સાથે લિક્વિડિટી પૂરી પાડી હતી. વૈશ્વિક વ્યાજ દરો હાલમાં શૂન્યની નજીક છે અને થોડાક સમય સુધી આ સ્તરે જળવાઈ રહેવાની ધારણાં છે. અમેરિકન ફેડરલના ચેરમેને તેમના છેલ્લા પોલિસી સ્ટેટમેન્ટમાં વ્યાજ દરની દ્રષ્ટિએ તે નેગેટિવ પરિઘમાં કદાચ નહીં જાય પણ 2023 સુધી વ્યાજ દર નીચા રાખવાની વાત કરી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ પ્રમાણે ત્રીજા ત્રિમાસિકમાં 30 ટકાના ઘટાડા બાદ ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતની ગોલ્ડ માગમાં રિકવરી જોવા મળવાની અપેક્ષા છે. ત્રીજા ત્રિમાસિકની સરખામણીએ ચોથો ત્રિમાસિક ગાળો અગાઉની બાકી પડેલી તથા તહેવારોની માગને કારણે સારો રહેવા અપેક્ષા રખાઈ રહી છે.
ભારતમાં સામાન્ય રીતે વર્ષના અંતિમ ભાગમાં ગોલ્ડની ખરીદી નીકળે છે. દશેરો તથા દિવાળી જેવા તહેવારો તથા લગ્નસરા માટે આ સમયગાળામાં લોકો ખરીદી કરતા હોય છે. જો કે એકંદર વેચાણ તથા માગમાં અમે મોટો સુધારો જોતા નથી. વૈશ્વિક સ્તરે પ્રવર્તતી અનિશ્ચિતતાએ ગોલ્ડની ફિઝિકલ માગ પર અસર કરી છે. કોરોના તથા તેને કારણે લોકડાઉને ગોલ્ડની ફિઝિકલ માગ પર અસર કરી છે અને ગોલ્ડના ઊંચા ભાવ જેને લઈને રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે તેને જોતા ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતની ગોલ્ડ માગ ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ કદાચ નીચી રહેવાની ચિંતા પ્રવર્તી રહી છે.
ગયા વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતની ગોલ્ડ માગ194.30 ટન્સ રહી હતી. કોરોનાવાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે જ્વેલરી માગ નીચી રહેતા વર્તમાન વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિકમાં ભારતની ગોલ્ડ માગ વાર્ષિક ધોરણે 49 ટકા ઘટી 252,40 ટન્સ રહી હતી. ગોલ્ડનો એકંદર વપરાશ ભલે ઘટયો હોય પરંતુ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ કોઈન્સ તથા લગડીની માગ 51 ટકા વધી હતી. ગોલ્ડના ઊચા ભાવને કારણે રોકાણકારો દ્વારા ઈન્વેસ્ટમેન્ટ માગ વધી હતી. જેને કારણે બજારનું માનસ ઊંચુ રહ્યું હતું.
ગોલ્ડની કામગીરી અને તેને અસર કરતા પરિબળો
કોમેકસ તથા ઘરઆંગણેના એકસચેન્જો બન્ને પર ગોલ્ડે વર્તમાન વર્ષમાં પ્રતિ ઔંસ 2085 ડોલર તથા દસ ગ્રામના રૂપિયા 56400ની ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી છે. અનિશ્ચિતતા વચ્ચે હાલમાં નીચા ભાવે ટેકો મળી રહ્યો છે. માત્ર 6 મહિનાની અંદર 40 ટકા જેટલા આકર્ષક વળતરે રોકાણ તરીકે ગોલ્ડ માટેના આકર્ષણમાં વધારો કર્યો છે. મજબૂત ફન્ડામેન્ટલ્સે ગોલ્ડને ટેકો પૂરો પાડયો છે. અમેરિકા તથા ચીન વચ્ચેના વેપાર યુદ્ધને લઈને રોકાણકારોમાં ઊભા થયેલા ભયથી વર્ષના પ્રારંભથી જ ગોલ્ડના ભાવ વધતા જોવા મળ્યા છે. ત્યારબાદ કોરોનાને કારણે વિશ્વની કેન્દ્રીય બેન્કો દ્વારા અપનાવાયેલા એકોમોડેટિવ સ્ટેન્સ અને સ્ટીમ્યુલ્સ, બજારમાં વધુ પડતી લિકવિડિટીએ ગોલ્ડને ટેકો આપ્યો હતો. પરંતુ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીના પરિણામોમાં અનિશ્ચિતતા વેળાએ રોકાણકારોએ સાવચેતીનો સૂર પણ દર્શાવ્યો હતો. રૂપિયામાં વોલેટિલિટી સહિત આ દરેક પરિબળોએ ઘરઆંગણે સોનાના ભાવ પર અસર કરી છે.