ખાલી કન્ટેઇનર્સ માટે ટર્મિનલ હેન્ડલિંગ ચાર્જમાં 25 ટકા સુધીનો ઘટાડો
પિપાવાવ, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ નિકાસકારો માટે કન્ટેઇનર્સની તીવ્ર ખેંચને કારણે વેપારમાં પેદા થયેલા નોંધપાત્ર અસંતુલન વચ્ચે વેપારની સુવિધા આપવા અને અર્થતંત્રને બેઠું કરવા નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે. પોર્ટે આયાતમાં નોંધપાત્ર ઘટાડાને કારણે ખાલી કન્ટેઇનર્સની ખેંચથી માઠી અસર અનુભવતા નિકાસકારોને સક્ષમ બનાવવા ખાલી કન્ટેઇનર્સ માટે ટર્મિનલ હેન્ડલિંગ ચાર્જમાં 25 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જહાજો માટે ટેરિફ પર સંચાલન ચાર્જમાં ઘટાડો 16 નવેમ્બર, 2020થી 31 ડિસેમ્બર, 2020 સુધી લાગુ રહેશે.
વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પાસેથી પ્રાપ્ત આંકડા મુજબ, એપ્રિલથી ઓક્ટોબર, 2020 દરમિયાન ભારતની નિકાસ 19 ટકા ઘટીને 150.14 અબજ ડોલર થઈ હતી, ત્યારે આયાત 36.3 ટકા ઘટીને 182.29 અબજ ડોલર થઈ હતી. સામાન્ય રીતે આયાતી ચીજવસ્તુઓ લાવતા કન્ટેઇનર્સનો નિકાસ માટે ઉપયોગ થતો હોવાથી નિકાસ માટે દેશ કન્ટેઇનરની ખેંચનો સામનો કરે છે. જોકે આયાતમાં નોંધપાત્ર ઘટાડો થવાથી શિપિંગ કંપનીઓએ ક્ષમતામાં કાપ મૂક્યો હતો, જેથી ટ્રક્સ અને કન્ટેઇનર્સ જેવા આનુષંગિક પરિવહન માધ્યમોની ઉપલબ્ધતાને અસર થઈ છે. પરિણામે નિકાસકારોને ખાલી કન્ટેઇનર્સની ખેંચ પડી છે, કારણ કે પહેલા4થી 5 દિવસ અગાઉ કન્ટેઇનર સુલભ હતા, જે માટે અત્યારે બેથી ત્રણ અઠવાડિયાનો સમય લાગે છે.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યાકબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે,“કન્ટેઇનર્સની ખેંચને કારણે વેપારી ચક્રને માઠી અસર થઈ હોવાની બાબતને ધ્યાનમાં રાખીને અમે ખાલી કન્ટેઇર્સના હેન્ડલિંગ ચાર્જમાં ઘટાડો કરીને વેપારને સહાય કરવાનો નિર્ણય લીધો છે. મને આશા છે કે, આ નિકાસકારોને ખાલી કન્ટેઇનર સરળતાથી મેળવવામાં અને વેઇટિંગ પીરિયડ ઘટાડવામાં મદદરૂપ થશે, જેથી કન્ટેઇનરની ખેંચ જેવી મહત્ત્વપૂર્ણ સમસ્યાનું સમાધાન થશે.”
શ્રી સોરેન્સેને ઉમેર્યું હતું કે, “સ્થાનિક વેપારવાણિજ્યમાં સુધારો જોવા મળવાની સાથે અમારું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય વેપાર પણ આગામી કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાથી વેગ પકડશે, જેથી પોર્ટ પર ટ્રાફિકમાં ઘટાડો થશે અને સંપૂર્ણ ટ્રેડ સેન્ટિમેન્ટ સુધરશે.”