પાક સહિત ૧૨ દેશના લોકો માટે યુએઈની વિઝા પર રોક
દુબઈ, એક તરફ પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં હોવાથી અને આતંકવાદને લઈને પંકાઈ જવાથી ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ તેની દૂધ આપતી ગાય એવા સંયુક્ત અરબ અમિરાતે (યુએઈ) પણ સાથ છોડી દીધો છે. યુએઈ દ્વારા પાકિસ્તાનના લોકોને વિઝા (યુએઈ વિઝા) આપવાને લઈને અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે ભારત પર યુએઈએ કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.
યુએઈ પાકિસ્તાન સહિત કુલ ૧૨ દેશોના લોકો માટે આ નવા વિઝા આપવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ તેની પુષ્ટિ કરી છે. યુએઈના આ ર્નિણયથી કોરોના વાયરસ અને આર્થિક સંકટથી ઝઝુમી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે. પાકિસ્તાન ઇસ્લામી દેશ હોવા છતાં એના નાગરિકોને આ આરબ દેશના વીઝા નહીં મળે. ખુદ પાકિસ્તાની દૈનિક ટ્રાઇબ્યુન એક્સપ્રેસના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ ખાતાએ બુધવારે સાંજે આ સમાચારને સમર્થન આપ્યું હતું પરંતુ પોતાનો બચાવ કરતાં એવી દલીલ કરી હતી કે વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે યુએઇએ આ પગલું જાહેર કર્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા જાહિદ હાફિઝ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુએઈનો આ ર્નિણય સંભવતઃ કોરોનાની બીજી લહેરની ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોઈ શકે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે, યુએઈએ કુલ ૧૨ દેશો પર આગામી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી નવા વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે યુએઈ પ્રશાસન સાથે આ મામલે સત્તાવાર પુષ્ટિના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
જોકે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, આ પ્રતિબંધ વિઝાની કેટલી કેટેગરી પર લાગુ કરવામાં આવશે. યુએઈ બિઝનેસ, ટૂરિસ્ટ, ટ્રાંઝિટ અને સ્ટુડેંટ વિઝા જેવી અનેક કેટેગરીના વિઝા આપે છે. યુએઈમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો રોજગારી માટે જતા હોય છે આ સ્થિતિમાં યુએઈનો આ ર્નિણય પાકિસ્તાન માટે એક ઝાટકાથી ઓછો નથી.
છેલ્લા કેટલાક સમયથી યુએઈ અને ભારત નજીક આવી રહ્યાં છ્હે જ્યારે પાકિસ્તાન સાથેના સંબંધોમાં પડેલી તિરાડ વધુ ને વધુ પહોળી થઈ રહી છે. યુએઈએ કાશ્મીર મુદ્દે પણ ભારતનું ખુલીને સમર્થન કર્યું હતું. જ્યારે આ ઉપરાંત યુએઈ સાથે ઈઝરાયેલના સ્થપાયેલા સંબંધોને લઈને પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી હતી અને યુએઈની ઝાટકણી કાઢી હતી. હવે પાકિસ્તાનને આ બાબત ભારે પડી રહી છે. રસપ્રદ વિગત એ છે કે, યુએઇએ પ્રતિબંધ જાહેર કર્યો એવા મોટા ભાગના દેશો મુસ્લિમ દેશો છે. આ દેશોમાં તૂર્કી, યમન, સિરિયા, ઇરાક, સોમાલિયા, લીબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થયો હતો. જ્યારે આ દેશોમાં ભારત પર કોઈ જ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો નથી.SSS