અમદાવાદમાં રાત્રી કરફ્યુનો ચુસ્ત અમલ
અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6.00 વાગ્યા સુધી કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. શહેરમાં ઠેર ઠેર પોલિસનો કાફલો કરફ્યુનો અમલ કરાવવા માટે તૈયાર છે. કોટ વિસ્તારમાં પણ પોલિસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જો કે લોકો સ્વયંભુ રીતે ઘરમાંથી બહાર નિકળવાનું ટાળ્યુ હતું.
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર આવતાં મુસાફરોને તેમને ઘરે પહોંચવા માટે 40 સ્પેશિયલ બેસની સુવિધા કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં જવા માટે 34 બસો ફાળવાઈ છે અને 6 બસો એકસ્ટા મૂકવામાં આવી છે.
જીવન જરૂરી ચીજો અને મેડિકલ સેવાઓ સહિતની સર્વિસો કરફ્યુ દરમ્યાન ચાલુ રહેશે. કરફ્યુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો ટ્રેન સર્વિસ શનિવાર અને રવિવારના દિવસ માટે સ્થગીત કરવામાં આવી હતી જે સોમવારથી ફરી શરૂ થશે તેમ જીએમઆરસીના એક અધિકારીએ જણાવ્યુ હતું.
કર્ફ્યૂની જાહેરાત બાદ અમદાવાદ એરપોર્ટ દ્વારા ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે કે ફ્લાઈટના શિડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુસાફરે તેમના સમય મુજબ એરપોર્ટ પહોંચવાનું રહેશે. મુસાફરી કરનારા વ્યક્તિએ એર ટિકિટ અથવા બોર્ડિંગ પાસ અને સાથે આઈડી પ્રુફ રાખવું પડશે. આ ઉપરાંત જો કોઈ સંબંધી કે પરિવારના કોઈ સભ્યને એરપોર્ટ કે રેલવે સ્ટેશન લેવા માટે જઈ રહ્યા હોય તો તેમણે સંબંધીની ટિકિટ વોટ્સએપમાં મંગાવીને પોલીસને બતાવશે તો તેઓ તેમને લેવા માટે જઈ શકશે.
રોડ પર એકપણ વાહન નજરે ના પડતા, ફરી એકવાર લોકડાઉનની યાદો તાજા બની છે. વહેલી સવારે ફરફ્યુના એલાનને સારો પ્રતિસાદ મળતો હોય તેવા દ્રશ્યો માર્ગો પર જોવા મળ્યા છે.તો આજે કરફ્યૂ લાગી ગયા બાદ અમદાવાદનું જમાલપુર ફૂલ બજાર સંપૂર્ણ બંધ છે.