ગઠિયાઓ નજર ચૂકવીને દાગીના લઈને નાસી ગયા
અમદાવાદ: કોઈ ગઠિયાઓ નોટમાં દાગીના મુકાવી આશીર્વાદ માંગે તો ચેતજો. કારણકે આ ગઠિયાઓ નજર ચૂકવીને ૧૦૦, ૫૦૦ કે બે હજારની નોટમાં દાગીના મુકાવી પડીકું આપવાનું કહીને તે દાગીના લઈને ફરાર થઈ જાય છે. આવી જ એક ઘટના અમદાવાદ ના મેઘાણીનગર માં સામે આવી છે જેમાં એક વૃદ્ધાએ ૪૦ હજારના દાગીના ગુમાવ્યા છે. શહેરના મેઘાણીનગરમાં રહેતા ૬૨ વર્ષીય ર્નિમળાબેન પાલવાણી તેમના પતિ તથા બાળકો સાથે રહે છે. તેમના પતિ હરજીવન ની ચાલી પાસે આવેલ ગુરુ નાનક દરબાર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સત્સંગ કરવા જાય છે.
શુક્રવારે ર્નિમળા બહેન તથા તેમના પતિ ગુરુ નાનક દરબાર માં સવારના છ વાગ્યે સત્સંગ કરવા ગયા હતા. આ દરબારમાં બેઠા હતા તે વખતે તે બંને સિવાય કોઇ હાજર નહોતું. બાદમાં એક અજાણ્યો માણસ તે દરબારમાં આવ્યો હતો અને તેની સાથેનો એક માણસ બહારના ભાગે એકટીવા લઈને ઉભો હતો. જે માણસ દરબારમાં આવ્યો તેણે સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેર્યું હતું અને તે હિન્દી તથા સિંધી ભાષામાં વાત કરતો હતો. આ શખ્શે ર્નિમળાબેન તથા તેમના પતિ પાસે આવીને કહ્યું હતું કે મને આશીર્વાદ આપો હું સોનાનો ધંધો ચાલુ કરવાનો છું
તેમ કહી ૫૦૦ રૂપિયાની નોટમાં ડાબા હાથમાં પહેરેલી બે સોનાની બંગડી મુકાવી હતી. જેથી ર્નિમળા બહેને તેમની ૪૦ હજારની મતાની આ બે બંગડી ૫૦૦ રૂપિયાની નોટ માં મૂકી હતી. બાદમાં આ શખશે દરબારમાં કથાના પાટલા નીચે તે પડીકું વાળી મૂક્યું હતું અને પાંચ મિનિટ પછી સોનાની બંગડી તમે લઈ લેજો એવું ર્નિમળા બહેન ને કહીને ત્યાંથી તેના સાગરિત સાથે એક્ટીવા પર ફરાર થઈ ગયો હતો.
જો કે થોડીવાર રહીને પાટલા નીચે જોયું તો આ પડીકું ન હતું. જેથી તેઓની સાથે કોઈ બનાવ બન્યો હોવાની શંકા ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી તો આ ગઠિયાઓ ર્નિમળા બહેનની ૪૦ હજારની સોનાની બંગડીઓ ચોરીને ફરાર થઈ ગયા હતા. જેથી મેઘાણીનગર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.