સુરેન્દ્રનગરમાં કારની અંદર બેઠેલા ૬ લોકો જીવતા ભૂંજાયા
સુરેન્દ્રનગર: માલવાણ ખેરવા પાસે આવેલા રામાપીર મંદિર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પરે ઇકો કારને અડફેટે લેતા ૬ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઇકો કારમાં આગ લાગી જતા અંદર બેઠેલા તમામ લોકો જીવતા બળીને ખાખ થયા છે. કાર એટલી હદે બળી ગઇ છે કે, તેમાં કેટલા સ્ત્રી અને પુરુષ હતા તે પણ ઓળખી શકાતું નથી.
હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, આ કારમાં ગેસ કીટ હતી જેના કારણે આગ લાગી હોય શકે છે. એફએસએલની ટીમ આવીને તપાસ કરશે. ગાડીની નંબર પ્લેટનાં આધારે આ લોકો ક્યાંના હતા તે અંગેની તપાસ કરવામાં આવશે. પાલનપુર હાઇવે પર પણ આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાલનપુરમાં આજે વહેલી સવારે ગઠામણના પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ગઠામણ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને તેનો મિત્ર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા.
તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલક બંને યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક એટલો બેફામ હતો કે યુવકને ૧૦૦ મીટર સુધી ઘસડ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં વાહન નીચે રોડ પર ઘસડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચિરાગ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર ને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુરની સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.