તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ : મોસમનો સરેરાશ ૯૯૩ મી.મી.વરસાદ
વ્યારા, ફ્લડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય વિગતો પ્રમાણે આજે સવારે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સોનગઢ તાલુકામાં ૧૮૫ મી.મી, ઉચ્છલ ૧૭૯ મી.મી, નિઝરમાં ૮૩ મી.મી, વાલોડ ૫૫ મી.મી, વ્યારા ૧૩૫ મી.મી., ડોલવણ ૪૯ મી.મી અને કુકરમુન્ડા તાલુકામાં ૭૩ મી.મી વરસાદ થયો છે. જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન તાલુકાવાર અત્યાર સુધીમાં સોનગઢ ૧૨૯૩ મી.મી, ઉચ્છલ ૧૦૦૩ મી.મી, નિઝર ૭૪૫ મી.મી, વાલોડ ૧૦૯૭ મી.મી, વ્યારા ૧૧૫૬ મી.મી., ડોલવણ ૧૦૪૦ મી.મી અને કુકરમુન્ડા ૬૨૩ મી.મી મળી ૬૯૫૭ મી.મી. કુલ વરસાદ નોધાયો છે.
આજે ઉકાઈ ડેમની સપાટી સવારે ૬.૦૦ કલાકે ૩૧૫.૫૧ ફુટ, ૮.૦૦ કલાકે ૩૧૫.૮૦ ફુટ, ૧૦.૦૦ કલાકે ૩૧૬.૦૦ ફુટ, ૧૨.૦૦ કલાકે ૩૧૬.૧૮ ફુટ, ૧૪.૦૦ કલાકે ૩૧૬.૩૯ ફુટ, ૧૬.૦૦ કલાકે ૩૧૬.૭૦ ફુટ રહેવા પામેલ છે. હવામાન વિભાગની આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહીને ધ્યાને લઈ કલેકટર આર.એસ.નિનામાએ અધિકારી/કર્મચારીઓને હેડક્વાટર ન છોડવાની તાકીદ કરી જિલ્લાના તમામ ઓવરફ્લો થયેલ નદી નાળા તળાવો ચેકડેમના અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર રહી પુરની પરિસ્થિતી પર રાઉન્ડ ધ ક્લોક દેખરેખ રાખી સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જિલ્લામાં આવેલ તમામ તળાવ-ચેકડેમો પર જરૂરી સાધન સામગ્રી મશીનરી સાથે સેફ સ્ટેજ કામગીરી માટે અધિકારી-કર્મચારીઓને વિશેષ જવાબદારી સોપાઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઉતરતા નુકશાન થયેલ રસ્તા-કોઝવેના ધોવાણનું રીપેરીંગ તાત્કાલિક હાથ ધરીને બંધ રસ્તાઓને ઝડપથી ચાલુ કરવા વહીવટી તંત્ર કામે લાગી ગયુ છે.
ફ્લડ સેલ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજે ૧૬.૦૦ કલાક સુધીમાં ઉચ્છલ ૩૫ મી.મી, કુકરમુન્ડા ૦૬ મી.મી, ડોલવણ ૫૬ મી.મી, નિઝર ૧૦ મી.મી, વ્યારા ૮૧ મી.મી. અને વાલોડ ૧૮ અને સોનગઢમાં ૨૯ મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સવારથી સતત હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે.