મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરીનો થયેલો પ્રારંભ
તા.૧૫ મી ડિસેમ્બર સુધી હક્કદાવા-વાંધા અરજીઓ રજુ કરવા જિલ્લા ચૂંટણીતંત્રની અપીલ
રાજપીપલા, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૦૭/૦૮/૨૦૨૦ ના પત્રથી તા.૦૧/૦૧/૨૦૨૧ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો જાહેર કરાયેલ કાર્યક્રમ હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૦૯/૧૧/૨૦૨૦ (સોમવાર) થી તા.૧૫/૧૨/૨૦૨૦ (મંગળવાર) નિયત કરવામાં આવેલ છે.
તદ્અનુસાર, નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિભાગોમાં તા.૯ મી નવેમ્બર,૨૦૨૦ થી તા.૦૧/૦૧/૨૦૨૧ ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમ તા.૧૫ મી ડિસેમ્બર,૨૦૨૦ સુધી ચાલશે.
જિલ્લામાં ઉક્ત સમયગાળા દરમિયાન તા.૨૨/૧૧/૨૦૨૦,૨૯/૧૧/૨૦૨૦ તા.૦૬/૧૨/૨૦૨૦ અને તા.૧૩/૧૨/૨૦૨૦ ના રોજ ખાસ ઝુંબેશ દિવસો તરીકે નિયત કરવામાં આવેલ છે. આ દિવસો દરમિયાન નર્મદા જિલ્લાના જે તે વિસ્તારના મતદાન મથકો ઉપર સવારના ૧૦ થી સાંજના ૫ કલાક સુધી બી.એલ.ઓ (બુથ લેવલ ઓફિસર) હાજર રહેશે,
જેમાં મતદાર યાદીમાં નામ નોધાવા,રદ કરાવવા,કોઇ નામ સામે વાંધો લેવા વગેરે મતદારયાદી સંબંધી સુધારા વધારા અંગેના ફોર્મ સ્વીકારવાની કામગીરી કરાશે તેમજ મતદાન મથકે જઇ તા.૦૧/૦૧/૨૦૨૧ ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરીકનું નામ નોંધાવવા માટે નમૂના-૬ (ઉંમર તથા રહેઠાણના પુરાવા સહિત) માં અરજી કરવી, જેમાં આપના પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ્સ નિયત જગ્યાએ ચોંટાડવો,
જેથી નામ દાખલ કરતી વખતે મતદાર યાદીમાં આપના નામની સામે આપનો ફોટો પણ આવી શકે, મતદાર યાદીમાં કોઇ નામ સામે વાંધો લેવાનો હોય તો તે માટે અથવા મતદાર યાદીમાંથી નામ રદ્ કરાવવા માટે નમૂના-૭ માં અરજી કરવી, મતદાર યાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમૂના-૮ માં અરજી કરવી, એક જ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમૂના-૮ (ક) માં અરજી કરી શકાશે.
ફોટાવાળી ઉક્ત મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લાના તમામ નાંદોદ અને દેડીયાપાડા મત વિસ્તારના મતદારનોંધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની કચેરી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી તથા નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા મામલતદારશ્રીઓની કચેરી ખાતે તેમના હક્ક-દાવા,વાંધાઓ ઉક્ત તા.૧૫ મી ડિસેમ્બર, ૨૦૨૦ સુધી રજૂ કરી શકાશે.
તદ્દઉપરાંત,મતદાર યાદીને સુધારાને લગતી www.nvsp.in તથા www.ceo.gujarat.gov.in મારફતે ઓનલાઇન અરજી પણ કરી શકાશે. અથવા આપના મોબાઇલથી તથા ECI<SPACE> આપના ઓળખપત્ર નંબર લખી ૧૯૫૦ નંબર પર SMS પણ જાણી શકો છો. જેથી જિલ્લાના નાગરિકોને ઉક્ત કાર્યક્રમનો વધુમાં વધુ મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી, રાજપીપલા-નર્મદાની એક અખબારી યાદીમા જાહેર અપીલ કરાઇ છે.