નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્ષેત્રમાંથી કૂટ પક્ષી સાથે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત
વન વિભાગે બે કૂટ પક્ષીઓને (Common Coot)મુક્ત કરાવ્યા
નળ સરોવર પક્ષી અભયારણ્યના નાયબ વનસંરક્ષકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નળસરોવર પક્ષી અભયારણ્યના સ્ટાફના 20/11/2020ના રોજના બોટ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરતાં બે જીવિત કૂટ પક્ષી(Common coot) મળી આવ્યા છે. આ પક્ષીઓને મુક્ત કરવામા આવ્યા છે.
ગાંધીનગર,વન્યજીવ વર્તુળના વન સંરક્ષકશ્રી ડો.બી.સુચિન્દ્રા તેમજ અન્ય સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે આ સફળતા મળી હતી.
વન વિભાગે પકડાયેલા વ્યક્તિ – લક્ષ્મણભાઈ જેરામભાઈ દેવથળા (નીની કઠેચી) સામે વન્યજીવ અધિનિયમ -1972 હેઠળ શિકારનો ગુનો નોંધ્યો છે. લીમડી કોર્ટે આરોપીની વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે વન્ય જીવ અધિનિયમ -1972માં અભયારણ્ય વિસ્તારમાં શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ માટે ત્રણ થી સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ગુનો બિન જામીનપાત્ર છે.