પીરાણા આગ દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોની વ્હારે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર
મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી આર્થિક સહાયનો ચેક અને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. ૩ હજારની સહાયનો હુકમ પત્ર જિલ્લા કલેક્ટરશ્રીએ બંન્ને બાળકોને એનાયત કર્યો
ગત ૪ નવેમ્બરના રોજ અમદાવાદના પીરાણા ખાતે આગ દુર્ઘટનામાં શ્રી મથુરભાઇ ચાવડા અને તેમના પત્ની શ્રી અંજલિનાબેન ચાવડા મૃત્યુ પામ્યા હતા.
આથી ચાવડા પરિવારનો ૮ વર્ષનો દીકરો એલેક્સ અને ૧૩ વર્ષની દીકરી પ્રેઝી અનાથ બન્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હતભાગી નાગરિકોના વારસદારોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
જે અન્વયે મૃતક દીઠ રૂપિયા ૪ લાખ એમ કુલ ૮ લાખની રકમ જિલ્લા કલેકટરશ્રી દ્વારા સગીર વારસદારોને રૂબરૂ મળી રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કલેકટરશ્રી દ્વારા મણીનગર મામલતદારશ્રીને ઉક્ત બંન્ને વારસદારો સગીર હોવાથી સહાયની રકમ ફિક્સ ડિપોઝિટ કરવા તથા બાળકો પુખ્ત વયના થાય ત્યારે તેઓ આ રકમ મેળવી શકે તે મુજબની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંન્ને બાળકોને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. ૩ હજારની સહાય મંજુરીના હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે જણાવ્યું કે, પાલક માતા-પિતા યોજના થકી મળતી આર્થિક સહાય બંન્ને બાળકોના શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થશે. હું બન્ને બાળકોની ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્યની કામના કરું છું.