બાઈક ઉપર સવાર મહિલાનું પડી જવાના કારણે મોત
કોરોના મહામારી વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન લોકોની અવર જવર વધવા પામી છે જેને લઈને માર્ગ અકસ્માતોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
જેમાં અનેક લોકો અકાળે મોતને ભેટી રહ્યા છે ત્યારે આવી એક અકસ્માતની ઘટના ડીસાના વિઠોદર ગામ નજીક બનવા પામી છે જેમાં બાઈક ઉપર સવાર મહિલાનું પટકાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું.
આ અકસ્માતની વિગતો જોતા ડીસાના ભાચરવા ગામે રહેતા માધાભાઈ લાલાભાઈ પરમાર ગત ગુરુવારે પોતાનું મોટર સાયકલ નમ્બર જીજે. ૦૮ બી એમ ૦૭૨૯ લઈ પોતાની પત્ની સાથે સસરાના ગામ ખીમત ગયા હતા અને ત્યાંથી સાંજે પરત આવતા હતા
તે દરમીયાન વિઠોદર ગામ નજીકના રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા અજાણ્યા રીક્ષા ચાલકે ઓવરટેક કરી કટ મારતા માધાભાઈએ પોતાના બાઈક ઉપરનો કન્ટ્રોલ ગુમાવી દેતા બાઈક લથડી જતા બાઈક પાછળ બેઠેલા તેમના પત્ની રાધાબેન રોડ ઉપર પટકાયા હતા.
જેથી ઇજાના કારણે તેમના નાક અને માથાના ભાગે લોહી નીકળેલ અને અકસ્માત બાબતે તેમણે તેમના સાળાને જાણ કરેલી જેમણે ૧૦૮ ને જાણ કરી રાધાબેનને સારવાર અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવેલ પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા તેમની લાશને પી એમ અર્થે ખસેડી હતી.
આ બાબતે માધાભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર અકસ્માત બાબતે વિધિસરની તપાસ હાથ ધરી છે.