Western Times News

Gujarati News

વડોદરા જિલ્લા કલેકટર 7 કલાક ટ્રેકટરમાં ફરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગયા

જિલ્લા કલેક્ટરશ્રીએ શહેર જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારોનો કર્યો મેરેથોન નિરીક્ષણ પ્રવાસ: સતત સાત કલાક સુધી ફર્યા અને જ્યાં જવાય એવું ના હતું ત્યાં ટ્રેક્ટરમાં ફર્યા -મહિલાઓ બાળકો અને સફાઈ કામદારોની લીધી ભાળ

વડોદરા, જિલ્લા કલેક્ટર અને કાર્યકારી મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે ભરાયેલા પાણીના નિકાલ,સાફ સફાઈ અને પુરગ્રસ્તોના આરોગ્યની કાળજી લેવા માત્ર રોગ નિદાન શિબિરો જેવા આયામોને પ્રોત્સાહિત કરવા શહેરના વિવિધ વિસ્તારો અને પાદરા તાલુકાના ગામનો મેરેથોન પ્રવાસ કર્યો હતો.

સતત સાત કલાક ચાલેલા આ નિરીક્ષણ પ્રવાસ દરમિયાન પાણી ભરાવા ને લીધે જ્યાં જવું અશક્ય હતું એવા હુસેપુર ગામે જવા માટે ગામઠી ટ્રેક્ટરની અગવડભરી સવારી કરી અને વરસતા વરસાદમાં પાણીનો ભરાવો વળોટી ને અસરગ્રસ્તોના કેમ્પ સુધી પહોંચ્યા હતા.  તેમણે આ મુલાકાત દરમિયાન ખાસ કરીને આરોગ્ય કેમ્પો અને આશ્રય શિબિરોના સ્થળે મહિલાઓ,બાળકો અને વૃદ્ધમાતાઓ,વડીલો સાથે સ્નેહભર્યો સંવાદ કરવાની સાથે સંબંધિત અધિકારીઓને આ સહુનું આરોગ્ય સચવાય,સંકટની આ ઘડીમાં સરકાર સાથે હોવાનો તેમને સધિયારો મળે એ માટે તમામ પ્રકારની કાળજી લેવા ખાસ સૂચના આપી હતી.

મુલાકાત દરમિયાન તેમણે વિવિધ શહેરી વિસ્તારોમાં ચાલી રહેલી જળ નિકાલ ની અને સઘન સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તેને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.  તેમણે પરિવાર ચાર રસ્તા પાસે ચાલી રહેલી સફાઈ કામગીરીનું ખાસ નિરીક્ષણ કર્યું હતું અને સફાઈ કામદારો સાથે આત્મીય સંવાદ કરીને એમના હાલચાલ પૂછ્યા હતા.સફાઈ કામદારોના આરોગ્યની સાચવણી માટેની તકેદારીઓ અનુસરવા જણાવ્યું હતું.તેમણે કપુરાઇ ચોકડી,પ્રથમ રેસિડેન્સી જેવી જગ્યાઓએ નિરીક્ષણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.