પિતાએ અમારી જવાબદારી લીધી નથી :જાન કુમાર સાનુ
મુંબઈ: સિંગર કુમાર સાનુનો પુત્ર જાન કુમાર સાનુ બિગ બોસ ૧૪માંથી બહાર થઈ ચૂક્યો છે. રિયાલિટી શોમાં જાનને લઈને નેપોટિઝમનો મુદ્દો ઉઠ્યો હતો. જાન પર મરાઠી ભાષાના અપમાનનો આરોપ લાગ્યો હતો. ત્યારે જાનના પિતા કુમાર સાનુએ વિડીયો મેસેજ દ્વારા જાનનો પક્ષ રાખ્યો હતો. જોકે, આ દરમિયાન જાનના ઉછેરને લઈને પણ સવાલ ઉઠ્યા હતા. એવામાં હવે શોની બહાર આવીને જાન કુમાર સાનુએ પોતાના પિતા કુમાર સાનુ પર નિશાન સાધ્યું છે. જાને સ્પષ્ટ કહ્યું કે, કુમાર સાનુએ ક્યારેય પિતાની જવાબદારી નથી ઉઠાવી,
એવામાં તેમને ઉછેર પર બોલવાનો કોઈ અધિકાર નથી. અમે ત્રણ ભાઈ છીએ અને ત્રણેનો ઉછેર માતા રીટા ભટ્ટાચાર્યએ જ કર્યો છે. મારા પિતા ક્યારેય અમારા જીવનનો ભાગ નથી રહ્યા. મને નથી ખબર કે, તેમણે ક્યારેય મને સપોર્ટ કે પ્રોમોટ કેમ નથી કર્યો, એ વાત તમે તેમને જ પૂછો. ઘણી સેલિબ્રિટીઝ છે, જે તલાક લે છે અને ફરીથી લગ્ન કરે છે.
ભલે તે પોતાની પૂર્વ પત્ની સાથે વાત ન કરતા હોય ,પરંતુ પોતાના બાળકોની જવાબદારી લે છે. જ્યારે કે મારા પિતાએ ક્યારેય એવું નથી કર્યું. જાને કહ્યું કે, મારા પિતા કુમાર સાનુએ અમારી સાથે કોઈ સંપર્ક રાખવાનો પણ ઈનકાર કરી દીધો હતો. થોડા સમય પહેલા તેમણે મારા ઉછેર પર સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કર્યો હતો.
તે પછી બીજો એક વિડીયો અપલોડ કર્યો, જેમાં તેઓ મારા કામને સપોર્ટ કરી રહ્યા છે. મને લાગે છે કે તે મિક્સ્ડ ફિલિંગ રાખે છે. મેં બંને વિડીયો જોયા નથી. પરંતુ, મારું માનવું છે કે, જ્યારે તમે પિતા તરીકેની કોઈ જવાબદારી નથી ઉઠાવી, તો તમારે ઉછેર પર સવાલ કરવાનો પણ અધિકાર નથી. જાન કુમાર સાનુ અહીં જ ન રોકાયો. તેણે આગળ કહ્યું કે, કોઈ પિતા પોતાના દીકરા સામે નથી બોલતા. ખાસ કરીને સોશિયલ મીડિયામાં તો ક્યારેય નહીં.
મને તેમની એ વાતથી ઘણું દુઃખ છે. પરંતુ, હકીકત એ પણ છે કે, તે મારા પિતા છે અને તે ગમે તેવા હોય, હું તેમની વિરુદ્ધ ન જઈ શકું. આ જ મારો ઉછેર છે. કોઈએ મારા ઉછેર પર સવાલ ઉઠાવવો હક નથી. હું માનું છું કે, મારાથી અજાણતા ભૂલ થઈ હતી. હું જાણી-જોઈને મરાઠી ભાષા વિરુદ્ધ નહોંતો બોલ્યો. જાન કહે છે કે, કુમાર સાનુએ તેમની કે તેમના ભાઈઓ કે માતાની કોઈ જવાબદારી નથી ઉઠાવી. જાન કહે છે કે, આ તેની માતાએ કરેલા ઉછેર જ છે, જેના કારણે પોતાનો રસ્તો પસંદ કર્યો અને સફળતા મેળવી છે.