સિગારેટ આપવાની ના પાડતા દુકાનદારે માર ખાવો પડ્યો
અમદાવાદ: દાણીલીમડામાં એક દુકાનદારને કરફ્યુના નિયમો પાળવાનું ભારે પડ્યું હોય તેવી ઘટના બની છે. કરફ્યુને કારણે દુકાનદારે દુકાન બંધ રાખી હતી. ઘર અને દુકાન નજીક હોવાથી એક શખસ ત્યાં આવ્યો અને દુકાન ખોલવા દબાણ કરી સિગારેટમાંગી હતી. જોકે, કરફ્યુ હોવાથી દુકાનદારે દુકાન ખોલવાની ના પાડતા સિગારેટ માગનારે મારામારી કરી હતી. દાણીલીમડામાં રહેતા કમરૂદ્દીન અન્સારી તેમના ઘરની બહાર સબા કરિયાણા સ્ટોર નામની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે.
બે દિવસથી કરફ્યુ હોવાથી તેમણે પોતાની દુકાન બંધ રાખી હતી. ત્યારે રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરે હતા, ત્યારે ત્યાં જ સંતોષ નગર ચાર માળિયા ખાતે રહેતો અબ્દુલ કાદિર નામનો શખસ કમરૂદ્દીન ભાઈના ઘર પાસે આવ્યો હતો. અબ્દુલ કાદિર નામના શખશે કમરૂદ્દીન ભાઈને દુકાન ખોલી સિગરેટ આપવાનું કહ્યું હતું. જોકે હાલમાં કરફ્યુ ચાલી રહ્યો હોવાથી કમરૂદ્દીન ભાઈએ સિગરેટ નહીં આપુ તેમ કહેતા અબ્દુલ કાદિર તેમની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
બિભત્સ ગાળો બોલી અબ્દુલ કાદિરે કમરૂદ્દીન ભાઈને માર માર્યો હતો. આ દરમિયાન અબ્દુલ કાદિરનો મિત્ર તાલીબ ત્યાં આવી ગયો હતો અને આ બંને શખ્સોએ કમરૂદ્દીન ભાઈ ને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા કમરૂદ્દીન ભાઈએ આ અંગે પોલીસને જાણ કરતા દાણીલીમડા પોલીસે બન્ને શખ્સો સામે મારામારીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.