વડોદરામાં ઓનલાઇન સેક્સ કોલ સેન્ટર ઝડપાઈ ગયું
વડોદરા: વડોદરામાંથી ઓનલાઇન સેક્સ કોલ સેન્ટર ઝડપાયું છે. શહેરના અકોટા વિસ્તારમાં શ્રી રેસીડેન્સીના મકાનમાં તથા હાર્દીક ચેમ્બરના મકાનમાં ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ પર વર્ચુઅલ લાઇવ સેકસ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. જેને બાતમીના આધારે જે.પી.રોડ પોલીસે ઝડપી લીધું હતું.
પોલીસે લાઇવ સેકસ કોલ સેન્ટર ચલાવી રહેલા નિલેશ ઈન્દ્રચંદ્ર ગુપ્તાને ઝડપી લઇ તેની સાથેની કારેલીબાગની અમી પરમાર નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. પોલીસે વર્ચુઅલ લાઇવ સેકસકોલ સેન્ટરમાંથી બે યુવતી સાથે ૧૧ લેપટોપ, મોબાઇલ ફોન, ટીવી રાઉટર તથા સેકસ ટોયઝ અને વેબકેમેરા મળીને કુલ ૭ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અકોટામાં પીએફ ઓફિસ પાસેના શ્રી રેસીડેન્સી અને હાર્દીક ચેમ્બરના બે મકાનમાં બાતમીના આધાારે જેપી રોડ પોલીસ દરોડા પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, અકોટામાં આવેલી શ્રી રેસિડેન્સીમાં અને હાર્દિક ચેમ્બર્સમાં રહેતો નિલેશ ઈન્દ્રચંદ્ર ગુપ્તા અમી પરમાર નામની યુવતી સાથે મળીને લાઈવ સેક્સ કોલ સેન્ટર ચલાવતો હતો.
બંને જણા ઉપરોક્ત બે મકાનમાં યુવતીઓને બોલાવતા હતા. જે બાદ તેમના થકી ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ દ્વારા લાઇવ અંગ પ્રદર્શન કરાવી લાઇવ સેકસ રેકેટ ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે બંને મકાનોમાં દરોડા પાડી ૨ યુવતીની સાથે નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તાને ઝડપી લીધો હતો. આ સાથે ૧૧ લેપટોપ, વેબ કેમેરા, એક મોબાઇલ, ૨ ટીવી તથા ૨ નંગ રાઉટર ૨ સેકસ ટોયઝ અને અર્ટીંગા કાર પણ કબજે કર્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, નિલેશ ગુપ્તા રેય ડિઝાઈન વર્લ્ડ નામની ઓનલાઈન પ્લાનિંગ, આર્કીટેક્ટ ડિઝાઈનીંગની ઓફિસ ચલાવતો હતો. પરંતુ તેની આડમાં વર્ચુઅલ લાઇવ સેકસ કોલ સેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવતો હતો.
અમી પરમાર આ યુવતીઓને ચતુરબાતે વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકો સાથે કઇ રીતે વાત કરવાની અને તેમના આકર્ષવા અંગપ્રદર્શન કરવાના તેની ટ્રેનિંગ આપતી હતી. ગ્રાહક પોઇન્ટ (ટોકન ) આપે ત્યારે તે ટોકન થકી નિલેશને પૈસા મળતા હતા. સેન્ટરના સંચાલક સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે અમી પરમારની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત આ લોકો સાથે અન્ય કોણ સામેલ છે અને ક્યારથી આ ગોરખધંધો ચલાવતા હતા તે અંગે વધુ તપાસ કરશે.