મ્યુનિ.કોરોના અધિકારીઓ ગણિતમાં કાચા
કુલ બેડ, ખાલી બેડ અને એક્ટીવ કેસની સંખ્યાનો તાળો બેસતો નથીઃ કમળાબેન ચાવડા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે તેમ છતાં સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવેલા અધિકારીઓ “સબ સલામત”ના દાવા કરી રહ્યાં છે. તેમજ પૂરતી સંખ્યામાં બેડ ઉપલબ્ધ હોવાની જાહેરાતો કરે છે. મ્યુનિ.કોંગ્રેસ પક્ષે અધિકારીઓ દ્વારા કરવામાં આવતા પોકળ હોવાના તેમજ સત્ય છુપાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે સાથે સાથે સત્તાધારી પાર્ટીને પણ આડે હાથે લીધી છે.
મ્યુનિ.કોંગ્રેસપક્ષના નેતા કમળાબેન ચાવડાએ મ્યુનિ.કોર્પાેરેશન અને સરકાર તરફથી નિયુક્તિ કરવામાં આવેલા અધિકારીઓ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ૨૮૪૦ એક્ટીવ કેસ હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી એકટીવ કેસની સંખ્યા ૨૬૦૦ની આસપાસ દર્શાવવામાં આવે છે. જેની સામે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દી માટે કુલ સાત હજાર પથારીઓ રાખવામાં આવી છે. જ્યારે બીજી તરફ ૨૮૪૦ એક્ટીવ કેસ સામે ૮૦૦ બેડ ખાલી હોવાના દાવા થાય છે તેથી સાત હજાર બેડમાંથી ૮૦૦ બેડ ખાલી હોય તો એક્ટીવ કેસની સંખ્યા ૬ હજાર કરતા વધારે હોય તે વાત સામાન્ય નાગરીક પણ સમજી શકે તેમ છે.
આ બાબતને બીજી રીતે જાેવામાં આવે તો સાત હાર બેડ સામે ૨૮૪૦ એક્ટીવ કેસ હોય તો ખાલી બેડની સંખ્યા ચાર હજાર હોવી જાેઈએ. જેની સામે સરકારી અધિકારીઓ ૮૦૦ બેડ ખાલી હોવાના દાવા કરે છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા સોશ્યલ મીડિયામાં ૮૦૧ સરકારી બેડ અને ૧૪૩ ખાનગી હોસ્પિટલના બેડ ખાલી હોવાની ટ્વીટ કરવામાં આવી રહી છે. જાે મ્યુનિ. કોર્પાેરેશનની ટ્વીટ તથા અધિકારીઓના દાવા સાચા માનવામાં આવે તો દર્દીઓને કરમસદ કે ખેડા લઈ જવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવી રહ્યા છે તેનો કોઈ જ મેળ બેસતો નથી તથા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ પ્રજાની સાથે સાથે સરકારને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા તથા ઉપલબ્ધ બેડની સંખ્યા વિશે સાચી માહિતી જાહેર કરવામાં આવે તો નાગરીકોમાં ભયની લાગણી ઓછી થાય અને જનજીવન થાળે પડી શકે છે. પરંતુ પરિસ્થિતિ સામાન્ય બને તેમાં કોઈને રસ હોય તેમ લાગી રહ્યું નથી.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ખાનગી હોસ્પિટલના ખાલી બેડ અંગે ટ્વીટ કરવામાં આવે છે. પરંતુ એસવીપી હોસ્પિટલના બેડ મુદ્દે ભેદી મૌન રાખવામાં આવે છે. એસ.વી.પી.માં હોસ્પિટલ પ્રજાના રૂપિયે અને મનપાની જમીન પર તૈયાર થઈ છે. તેમાં સારવાર લેવાનો પ્રથમ હક્ક પ્રજાનો છે. પરંતુ સરકારી અમલદારો અને સત્તાધારી પાર્ટીએ એસ.વી.પી.ને તેમની અંગત જાગીર સમજી રહ્યા છે. કોરોના દર્દીઓને સારવાર માટે ૧૦૮ના ભરોસે રાખવામાં આવ્યા છે. સત્તાધારી પાર્ટીના નેતાઓ કે સરકારી અમલદારોના સ્વજનો પણ ૧૦૮ની સલાહ મુજબ કરમસદ કે ખેડા જઈ રહ્યા છે ? તેમણે એસવીપીમાં એડમીશન કેવી રીતે મળી રહ્યો છે ? તે બાબતે સ્પષ્ટતા થાય તે જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.