ગાડીમાં માસ્ક નહીં પહેરનારને ઘરે ઈ-મેમો આવશે
સુરત: જ્યાં સુધી કોરોનાની વેક્સીન ના શોધાઈ જાય ત્યાં સુધી માસ્ક જ કોરોના ફેલાતો રોકવાની અકસીર દવા છે. પરંતુ લોકો માસ્ક પહેરવાને ખુબ હળવાશથી લઈ રહ્યાં છે.
લોકો જાહેરમાં માસ્ક પહેર્યા વગર જ ફરતા જોવા મળે છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને સુરત મહાનગર પાલિકા અને પોલીસે લાલ આંખ કરી છે.
માસ્ક પહેર્યા વગર ગાડી ચલાવી રહેલા લોકો વિરૂદ્ધ પોલીસ દ્વારા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં લગાવવામાં આવેલા કેમેરામાં ફોટા પાડીને ઈ મેમો ઘરે મોકલી કડક કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાના ૬ મહિનામાં માસ્ક નહિ પહેરનારા ૧૮.૬૦ લાખ લોકો પાસેથી અધધ ૭ કરોડનો દંડ વસૂલાયો છે.
સુરતમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉચક્યું છે. જેને લઇને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. શહેરીજનોને અલગ-અલગ તરકીબો અપનાવી માસ્ક પહેરવા, સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અને કોરોનાની તમામ ગાઈ લાઈનનું પાલન કરવા માટે અપીલ કરાઈ રહી છે
પરંતુ શહેરમાં કેટલાક લોકો એવા પણ છે કે જે હજી પણ સુધરવાનું નામ જ નથી લઈ રહ્યાં. તેઓ ભયંકર બેદરકારી દાખવી રહ્યા છે જેનો ભોગ સમગ્ર શહેરીજનો બની રહ્યા છે. પરિણામે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
જોકે શહેરમાં માસ્ક નહીં કરનારા લોકો સામે પોલીસ અને પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે તમને જાણીને નવાઈ લાગશે કે સુરતીલાલાઓએ ૬ મહિનામાં ૭ કરોડનો દંડ ભર્યો હતો.
પાલિકાએ ૧૭ લાખ લોકો પાસેથી ૮૪ લાખ રૂપિયા જ્યારે પોલીસે ૧.૬૦ લાખ લોકો પાસેથી ૬ કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. પરંતુ હવે જો ગાડી ચલાવી રહ્યા હોવ અને માસ્ક નહીં પહેર્યું હશે તો ઈ-મેમો ઘરે આવશે. વાહન ચલાવતી વખતે પણ લોકો માસ્ક પહેરી રાખે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
જેમાં માસ્ક પહેર્યા વગર કોઈપણ વ્યક્તિ વાહન ચલાવશે અથવા તો માસ્ક ગળા પર પહેર્યું હશે તો કેમેરામાં તેઓના ફોટો પાડીને ઈ-મેમો ઘરે મોકલવામાં આવશે.
શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં લગાવેલા કેમેરામાં માસ્ક નહી પહેરનારા લોકોને કેદ કરી ૧ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા માસ્ક પહેરનારા ૫૦૦થી ૭૦૦ લોકોને દંડ કરતી હતી પરંતુ હવે તેનાથી ડબલ લોકોને દંડ કરી રહી છે.