રાજ્યમાં ચોવિસ કલાકમાં ૧૫૧૦ કોરોના પોઝિટિવ
અમદાવાદ, સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ૨૪ કલાકમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે તો ગુજરાતમાં પણ કોરોનાની મહામારી વધુ પ્રસરતા સરકારે ૨૦૦માંથી લગ્નમાં ૧૦૦ની છૂટ કરી છે અને ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ પણ યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત માસ્ક અંગે નિયમો પણ વધુ કડક બનાવવામાં આવ્યાં છે. ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૧૦ નવા કેસ સાથે કુલ આંકડો પણ ૨ લાખને પાર થયો છે. જ્યારે ૨૪ કલાકમાં ૧૨૮૬ દર્દીઓ સ્વસ્થ થતાં રિકવરી રેટ પણ ૯૧.૦૫% થયો છે.
૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૮૪,૬૨૫ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૭૩૮૯૩૩૦ થયો છે. રાજ્યમાં ૧૫૧૦ નવા દર્દીઓ સામે ૧૨૮૬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૮૨,૪૭૩ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૧૩૦૧.૯૨ ટેસ્ટ થાય છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૯૩,૩૩૭ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪,૯૩,૨૩૦ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૧૦૭ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૪૦૪૪ એક્ટિવ કેસ છે. જેમાંથી ૯૪ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૩૯૫૦ની સ્થિતિ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોનાનો અજગર ભરડો વધતાં મોત પણ વધી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨, સુરત કોર્પોરેશનમાં ૩ તેમજ બોટાદમાં ૧ મોત નોંધાતાં રાજ્યમાં કુલ ૧૬ મોત નોંધાયા હતાં. જેથી હવે રાજ્યમાં મૃત્યુઆંક પણ ૩૮૯૨ થયો છે.SSS