બે અલગ અલગ જગ્યાનો વીડિયો ઉતારીને શાહીબાગ પોલીસને બદનામ કરવાની કોશિશ
અમદાવાદ, શહેરમાં દારૂ જુગારના અડ્ડા કેટાલક લાંચિયા પોલીસ કર્મચારીની છત્રછાયા હેઠળ ધમધમી રહ્યા છે. અસારવા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલીક દારૂ વેચનાર વિરૂદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો તો બીજી તરફ પોલીસ એક બુટલેગરના અડ્ડા પર રેડ કરવા માટે ગઇ ત્યારે સ્થાનિકોએ તેને ઘેરી લીધી હતી અને દબાણ કર્યું હતું.
અસારવા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનો એક વીડિયો ગઇ કાલે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોના આધારે ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને તાત્કાલીક દારૂ વેચનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે વીડિયોના આધારે અજય ઠાકોર નામના યુવકને દેશી દારૂની જથ્થા સાથે ધરપકડ કરી હતી. આ કેસ કર્યા બાદ પોલીસને બીજી બાતમી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર પ્રતાપ ઉર્ફે પકાના ઘરે દારૂનો જથ્થો પડ્યો છે.
બાતમીના આધારે પોલીસની ટીમ પ્રતાપના ઘરે ઉચ્ચ અધિકારીઓના આદેશથી રેડ કરી હતી. જાેકે દારૂ નહીં મળતાં તેઓ નીલ પંચનામુ કરીને પોલીસ સ્ટેશન આવવા માટે રવાના થયા હતા. પોલીસ પ્રતાપના ઘરેથી બહાર નીકળી ત્યારે આસપાસના લોકોએ બે પોલીસ કર્મચારીઓને ઘેરી લીધા હતા અને વીડિયો ઉતારવા લાગ્યા હતા.
આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજાએ જણાવ્યુ છે કે સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થયા છે તે અલગ અલગ જગ્યાના છે. જે જગ્યા પર દારુ વેચાતો હતો તે બુટલેગર વિરૂદ્ધમાં ગુનો દાખલ કર્યો છે, જ્યારે પોલીસને સ્થાનિકોએ જ્યાં ઘેરી લીધી હતી તે જગ્યા બુટલેગર પ્રતાપ ઉર્ફે પકાના ઘર પાસેની છે. જ્યાંથી કોઇ દારૂ મળ્યો નથી. પોલીસ પ્રતાપના ઘરે રેડ કરવા માટે આવે નહીં તે માટે કેટલાક સ્થાનિક દબાણ કરતા હતા. જેમની વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.