Western Times News

Gujarati News

પોલીસ ફોન કરી પૂછશેઃ ‘લગ્નમાં કેટલા લોકો માટે જમવાનો ઓર્ડર અપાયો છે’

પ્રતિકાત્મક

અમદાવાદ, કોરોના મહામારીની હાલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં અનેક પરિવારમાં લગ્ન લેવાયા છે, જેના કારણે જે તે વિસ્તારના અનેક લોકો લગ્નની મંજૂરી માટે પોલીસ મથકે આવી રહ્યા છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ દિવસ દરમિયાન લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો હાજર રહી શકશે, પરંતુ આ લોકોમાં વર-વધૂની પણ ગણતરી થઇ જશે.

જે વ્યક્તિ દ્વારા લગ્નની મંજૂરી મેળવવામાં આવશે તેમણે ૧૦૦ વ્યક્તિ જ હાજર રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, જેમાં લગ્ન સ્થળે વર-વધૂ, ગોર મહારાજ, મહેમાનો, ઢોલી-રસોઇયા સહિત ૧૦૦ લોકો જ હાજર રહી શકશે.

જે તે વ્યક્તિએ તેમના વિસ્તારના પોલીસ મથકમાંથી નિયત કરાયેલ ફાર્મમાં લગ્નની મંજૂરી મેળવવાની રહેશે, જેમાં મહેમાનની યાદી ઉપરાંત કેટરિંગ સંચાલકનાં નામ-સરનામું અને મોબાઇલ નંબર પણ દર્શાવવાનાં રહેશે, લગ્નની મંજૂરી આપ્યા બાદ જે તે દિવસે પોલીસ દ્વારા લગ્ન સ્થળે તપાસ કરવામાં આવશે

તેમજ કેટરિંગ સંચાલકને પણ કેટલી વ્યક્તિ માટે ભોજનનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેની તપાસ કરી ખાતરી કરવામાં આવશે એટલે કોઇ લગ્ન આયોજક એવુ વિચારશે કે ૧૦૦ વ્યક્તિની મંજૂરીમાં વર-વધુ કે યજમાન અને ગોર મહારાજ સિવાયના મહેમાનને આમંત્રણ આપી શકાશે તો આવુ કરવાથી તેમને દંડાવુ પડશે.

એ સમયે ૨૦૦ લોકોને આમંત્રણ આપી ચૂકેલા યજમાનો-વેવાઇઓ મુંઝાયા છે અને પરિવારજનો ચિંતામાં મુકાયા છે, જેમના ઘરે લગ્ન પ્રસંગ છે એ માતા-પિતાના જણાવ્યા મુજબ લગ્ન લખાઇ ગયા એટલે રદ નથી કર્યા પણ પ્રસંગે માટે ઉત્સાહ નથી. દીકરીનાં લગ્ન ધામધૂમથી કરવા માટે તૈયારી કરી હતી તે બધી જ તૈયારી પાણીમાં ગઇ. પહેલા કેટરિંગ, મંડપ ડેકોરેશન બધાંના ઓર્ડર કેન્સલ કર્યા.

હજુ એ ટેન્શન પૂરું થયું ત્યાં ૧૦૦ માણસની મંજૂરી મળવાના સમાચાર મળ્યા. ભાઇઓ-કુટુંબના લોકોને સપરિવાર આમંત્રણ આપ્યુ હતુ તેના બદલે હવે માત્ર બે જ વ્યક્તિ નક્કી કર્યા છે. મિત્ર-સ્નેહીઓના નામ ફરજિયાતપણે લિસ્ટમાંથી કાઢવા પડે તેવી પરિસ્થિતિ છે. જેટલો માનસિક થાક તૈયારી કરવામાં નહોતો લાગ્યો તેટલો આમંત્રણ કેન્સલ કરવામાં અને સમય મર્યાદામાં લગ્ન આટોપી લેવામાં થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.