ગળામાં માસ્ક લટકાવશો તો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે
છ મહિનામાં કરોડોનો દંડ ભર્યો છતાં પણ લોકો સુધરતા નથી
અમદાવાદ, અત્યારે દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ દેશ અને સમગ્ર દુનિયામાં વધી રહ્યુ છે ત્યારે કેટલાક લોકો કાયદાની ઐસીતૈસી કરીને છટકબારી શોધવામાં પાવરધા હોય છે, પરંતુ તેઓ જાણતા નથી હોતા કે પોલીસના ધ્યાન બહાર કશું હોતુ નથી. માસ્ક નહીં પહેરનાર સામે પોલીસ-પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે જ છે,
પરંતુ માસ્ક પહેર્યાનો શો કરી માસ્ક ગળામાં લટકાવીને ફરતા અને પોલીસને જાેઇ મોં પર માસ્ક લગાવતા લોકોની હવે ખેર નથી. પોલીસ વિભાગ આવા લોકો માટે વધુ કડક બન્યો છે. તેથી ગળામાં માસ્ક લટકાવીને ફરતા લોકોને પણ માસ્ક નહીં પહેરનારા લોકો જેટલો જ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
શહેરમાં અમુક લોકો પાસે માસ્ક તો હોય છે, પરંતુ સરખી રીતે પહેરતા નથી. અમુક લોકો ગળામાં લટકાવી રાખે છે અથવા તો નાક અથવા સરખી રીતે માસ્ક પહેરતા નથી, જેના કારણે પણ કોરોનાનું સંક્રમણ લાગી શકે છે. આવા લોકો સામે પણ કાર્યવાહી કરીને એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.
છ માસમાં માસ્ક નહીં પહેરનાર લાખો લોકો પાસેથી કરોડોનો દંડ વસૂલાયો છે, સાથે -સાથે હવે શહેરમાં લોકો માસ્ક વગર ન ફરે તે માટે અને માત્ર કહેવા ખાતર ગળામાં માસ્ક લટકાવીને ન ફરે તે માટે કડક હાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વાહન ચલાવતી વખતે પણ લોકો માસ્ક પહેરી રાખે તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક પહેર્યા વગર કોઇ પણ વ્યક્તિ વાહન ચલાવશે અથવા ગળા પર માસ્ક પહેર્યું હશે તો શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલા કેમેરામાં ફોટો પાડી ઇ-મેમો ઘરે મોકલીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.