નવાવાડજમાં રિ-ડેવલપમેન્ટના નામે જબરદસ્તીનો આરોપ
નવાવાડજના ન્યૂ આશિયાના એપાર્ટમેન્ટનો વિવાદઃ
અમદાવાદ, અમદાવાદ શહેરના નવાવાડજ વિસ્તારના ભીમજીપુરા ચાર રસ્તા પાસે આવેલી ન્યુ આશિયાના એપાર્ટમેન્ટના રિ-ડેવલપમેન્ટનો વિવાદ સામે આવ્યો છે. કેટલાંક રહીશોએ જબરદસ્તી કરી મકાન ખાલી કરાવાઈ રહ્યાં છે અને રિ-ડેવલપમેન્ટના નામે કોમર્શિયલ બાંધકામ ઉભું કરી પરિવારોને ઘરવિહોણા કરાઈ રહ્યાં હોવાના આક્ષેપ સાથે અરજી કરી છે જેમાં બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની માંગણી કરાઈ છે.
શહેરના નવાવાડજ વિસ્તારની ટીપી સ્કીમ નંબર ૨૮માં ફાઈનલ પ્લોટ નંબર-૫૧૧માં ૩૬૩૪ ચો.મી.જમીનમાં ન્યૂ આશિયાના એપાર્ટમેન્ટ નામે સ્કીમ આવેલી છે. અહીં રિ-ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ છે પણ તેની સામે કેટલાંક રહીશોેએ વાંધો લીધો છે
જે પૈકી મનુભાઈ શાહ સહિત અન્યોએ રાજ્યપાલ સહિત અન્ય ઓથોરિટીમાં પત્ર લખીને બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી કરી છે તેમણે અરજીમાં જણાવ્યું છે કે, સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ જબરદસ્તીથી રિ-ડેવલપમેન્ટના નામે ઠરાવબુકમાં સહીઓ કરાવી હતી સાથે એમઓયુ અંગે પણ તેમને વિશ્વાસમાં લીધા નહોતા.
આ અંગે રેરામાં ફરિયાદ આપી છે. રિ-ડેવલપમેન્ટના કાયદાની જાેગવાઈઓને ગણકારી નથી તેને અનુસર્યા નથી સાથે સોસાયટીના ૬૬ ફ્લેટ પૈકી કોમન પ્લોટ પચાવવાના આશયથી તેની આસપાસના ફ્લેટ જમીનદોસ્ત કરવાનું ચાલુ કરાયું છે. રિ-ડેવલપમેન્ટમાં મકાનને બદલે કોમર્શિયલ બાંધકામ ઉભું કરાય તેવી શંકા છે જેથી રિ-ડેવલપમેન્ટનો વિરોધ કરાઈ રહ્યો છે. ઘરવિહોણા થઇ જઈશું તેવી શંકા વ્યક્ત કરાઈ રહી છે.