અમદાવાદ NCB યુનિટે ૧૦૭ કિ.ગ્રા. ગાંજા સાથે ત્રણ આરોપીઓ ઝડપ્યા
અમદાવાદ, તાજેતરમાં મુંબઈમાં બોલીવૂડના સિતારાઓ સુધી પહોંચેલા નશાના કારોબાર બાદ દેશના અનેક શહેરોમાં નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક પછી એક નશાના કારોબારીઓને ઝડપી લેવાનું અભિયાન હાથ ધર્યું છે. આવા જ એક ઓપરેશનમાં એનસીબીના અમદાવાદ ઝોલ યુનિટે ઓગણજ સર્કલ પાસેથી અધધ કહી શકાય તેવા ૧૦૭ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો લઈ ડિલીવરી માટે નીકળેલા બે શખ્સોને ઝડપી લઈ શહેરમાં વધતા નશાના કારોબાર ઉપર પ્રહાર કર્યાે છે.
એનસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં અમદાવાદ ઝોનલ યુનિટને શહેરમાં કેટલાંક શખ્સો મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઘૂસાડવાના હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એનસીબીની ટુકડીને ઓગણજ સર્કલ પાસે ખાનગી વાહનોમાં વોચ ગોઠવી શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર નજર રાખી હતી.
બાતમીના વર્ણન મુજબની મહિન્દ્રા બોલેરો પિક-અપ વાહન દેખાતા ટીમના માણસોએ તેને ઘેરી લઈ તપાસ કરતાં તેમાંથી ગાંજાનો ૧૦૭ કિ.ગ્રા.જથ્થો મળી આવ્યો હતો અને સલીમ અને ફિરોઝ નામના બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો ઓરિસ્સાથી રવાના થયો હતો તથા સુરત થઈ અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં વેચવા માટે લવાયો હતો. આ માહિતીના આધારે એનસીબીએ સુરતના ટી.એસ.નાહક નામના વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.
આંધ્ર-ઓરિસ્સાના નકલસ પ્રભાવિત વિસ્તારોમાં ગાંજાની મોટાપાયે ગેરકાયદે ખેતી થાય છે. ત્યારબાદ તેની ખેપ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, તમિલનાડુ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉપરાંત શ્રીલંકા સુધી મોકલવામાં આવે છે. ગાંજાની મોટાપાયે ગેરકાયદેસર ખેતી થતી હોય તેવો અન્ય એક વિસ્તાર હિમાચલ પ્રદેશનો પર્વતીય વિસ્તાર છે જ્યાં અસામાન્ય ભૂગોળીય સંભાવનાઓના કારણે ખેતી થાય છે.